જામનગર: અર્વાચીન રાસ ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત છે. જેમાં નવરાત્રીના સાતમના ખાસ ઈશ્વર વિવાહના ગરબાનું વિશેષ આકર્ષણ હોય છે. જેમાં એક જ પંકિત ચાર વખત રાગ સાથે ગાવામાં આવે છે. અંદાજે સાડા 3 કલાક સુધી આ છંદ ચાલે છે.
દરેક પંક્તિનું ચાર વખત ગાન: આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે. રાજાશાહીના વખત ચાલી રહેલી જલાનીજારની ગરબીમાં આસો સુદ સાતમને મંગળવારના રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો. એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા. શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.
પિતાંબરી, અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો. સમગ્ર જલાનીજાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.
પુરૂષોની પ્રાચીન ગરબી: પ્રાચીન આ ગરબીમાં વડીલોની સાથે યુવાનો અને નાના બાળકો પણ જોડાય છે અને આ પરંપરાને જાળવી રાખી છે. આ અનોખા રાસને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત બહારથી લોકો અહી ખાસ આ રાસ રમવા માટે આવે છે. જામનગર છોડીને નોકરી વ્યવસાય અર્થે અન્ય શહેર કે રાજયમાં વસવાટ કરનાર પણ ખાસ આ દિવસે ગરબા રમવા અને માણવા માટે ખાસ જામનગર આવે છે. માત્ર પુરૂષોની આ પ્રાચીન ગરબી વિખ્યાત બની છે.