જામનગર: એક બાજુ જામનગર શહેરમાં રાજ્યકક્ષાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સાત રસ્તાની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટી તંત્ર પડદા લગાવીને છુપાવી રહી છે. જામનગર વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે તંત્ર દ્વારા ગરીબોની ગરીબી છુપાવવા માટે પડદા લગાવવામાં આવ્યા છે.
ગરીબી છુપાવવા તંત્રએ લગાવ્યા પડદા: જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાછળ ગરીબોની ગરીબી પણ દેખાઈ આવે છે. જામનગર શહેરમાં મુખ્ય માર્ગ પર વિવિધ જગ્યાએ હોડિંગ તેમજ પડદા લગાવવામાં આવ્યા છે. સાત રસ્તાની બાજુમાં જે પડદા લગાવવામાં આવ્યા ત્યાં મોટા પ્રમાણમાં ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે. તંત્રએ ગરીબોની ગરીબી છુપાવવા માટે અહીં પડદા લગાવ્યા છે. મામલો ત્યારે બહાર આવ્યો જયારે સાથનિક લોકો તંત્ર દ્વારા લગાડવામાં આવેલા પડદાના વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કરવા લાગ્યા.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી: આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ જામનગરમાં સવારે આવી પહોંચશે. અહીં 10:30 વાગ્યે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પૂર્ણ થશે. જોકે જામનગર શહેરમાં અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો Gujarat Foundation Day: સ્થાપના દિવસ નિમિતે જામનગરમાં મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે
જામનગરમાં રંગારંગના કાર્યક્રમ: નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. 150 કલાકારો તથા 40 ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં છે.