જામનગર: શહેરમાં આ કેમ્પ વાગડ વેલ્ફેર ટ્રસ્ટ, ભચાઉ, કચ્છ, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેડિયાટ્રિક્સ ઓર્થોપેડિક ડિસોર્ડર્સ, મુંબઇ વિભાગીય નાયબ નિયામક કચેરી(આરોગ્ય વિભાગ), રાજકોટ; જી.જી. હોસ્પિટલ, જામનગર; એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજીત કરવામાં આવ્યો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો કેમ્પમાં કુલ 140 બાળ દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાં જામનગર જિલ્લાના 96 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 46 બાળ દર્દીઓને આવરી લેવાયા હતા. આ બાળદર્દીઓને તેમના ઘરથી આરોગ્ય વિભાગની ટીમ સાથે અને આરોગ્ય વિભાગના વાહન દ્વારા જ કેમ્પના સ્થળ પર લઈ આવી પરત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી બાળકોને કોઈ પણ અગવડતા ન આવે.આ કેમ્પ પછી જે બાળ દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હશે. એ દર્દીઓનું ઓપરેશન ડો. નાગડા અને એમની ટીમ દ્વારા વાગડ વેલ્ફેર હોસ્પિટલ, ભચાઉ ખાતે તદન નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
સેરેબ્રલ પાલ્સી રોગ વિષે જાણકારીદર હજારે આશરે 2 બાળકોને થતો આ લગભગ જન્મજાત પ્રકારનો મગજનો એવો રોગ છે. જેમાં બંને પગ અથવા હાથ-પગનો વિકાસ ખૂબ ધીમો થાય છે, સાથે-સાથે માનસિક ખોડ-ખાંપણ અને મગજમાંથી ઉદભવતી ખેંચ થાય છે, તેને કારણે આ રોગને સેરેબ્રલ પાલ્સી એવું નામ આપવામાં આવે છે. આ રોગની લાક્ષણિકતાએ છે કે, તે ઉમર વધતાં તેમાં ધીરે ધીરે સુધારો થતો જાય છે, રોગ વકરતો નથી. જે કેટલાક રોગો ધીરે ધીરે ઉમર સાથે બગાડતાં જાય છે. તે રોગો સેરેબ્રલ પાલ્સી હોતા નથી. આ રોગમાં હાથ-પગ કડક થઈ જાય છે. શરીરની એક બાજુનો લકવો થઈ શકે કે, બે પગ અથવા ચારેય હાથ-પગ નો લકવો થઈ શકે છે.
રોગ નું કારણ: કેટલાક કેસોમાં આ રોગ જન્મ સમયે અપૂરતા ઓક્સિજનના કારણે થાય છે. બાકીના મોટાભાગના કેસોમાં ગર્ભના વાતાવરણ, વિકાસમાં ખામી ઉત્પન્ન થવાથી આવું થઈ શકે છે. જવલેજ આનુવંશિક કારણો હોય શકે છે.
- સેરેબ્રલ પાલ્સી દરેક બાળકો માટે ખરાબ હોય છે અને સુધારો થતો જ નથી તેમ હોતું નથી. કેટલાક બાળકોને સામાન્ય તકલીફ હોઇ તેમાં સુધારો ઝડપથી થાય છે. બાકીના કેસમાં ખૂબ કસરત (ફિઝીઓથેરાપી)થી તથા યોગ્ય દવાના સંયોજન કે, નાના મોટા ઓપરેશનથી ફાયદો થઈ શકે છે. સેરેબ્રલ પાલ્સીના આશરે 30 ટકા દર્દીઓને તીવ્ર રોગ હોય છે. જેમાં સારું થવાની શક્યતા ઓછી હોઇ શકે છે.
સારવાર: સામાન્ય રીતે આવા બાળકની સારવાર જૂદી-જૂદી સારવાર પધ્ધતિઓના સંયોજનથી કરવામાં આવે છે
- ફિઝીઓથેરાપી
- ઓક્યુપેશનલ થેરાપી
- યોગ્ય દવાઓ કે જેનાથી સ્નાયુઓ નરમ થઈ શકે.
- યોગ્ય કેસ માં નાની-મોટી સર્જરી
સેરેબ્રલ પાલ્સીના બાળકો કુટુંબ અને સમાજ માટે એક જવાબદારી સમાન છે. તબીબી વિજ્ઞાનનો આટલો વિકાસ થયો હોવા છતાં આપણે આવા કેસો અટકાવી શકતા નથી કે, નથી તેની યોગ્ય સારવાર થઈ શકતી. તેથી આપણી નૈતિક અને માનવીય ફરજ છે કે, આવા બાળકોના પ્રશિક્ષણ અને સારવાર માટે આપણાથી બનતા તમામ સહયોગ આપી આવા બાળકોના વિકાસમાં મદદ કરવી તેમજ તેઓને હૂંફ અને સહારો આપવો.