જામનગર: ધ્રોલના ચામુંડા પ્લોટ પાસે આવેલ સ્મશાન નજીકના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતાં પીએમ સહિતની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પિતાએ બાળકને તળાવમાં ફેંકી દીધાનું સામે આવતાં આરોપી પિતા સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
પત્ની સાથે અવારનવાર ઝગડો: વધુમાં એવી વિગત જાણવા મળી છે કે આરોપી પિતા મુના સોલંકી છોકરા બાબતે શંકા સેવીને ઝઘડો કરતો હતો. બનાવના દિવસે આરોપીની પત્ની મોરબી ગઇ હતી અને પાછળથી આરોપીએ બનાવને અંજામ આપ્યો હતો. પત્ની મોરબીથી આવ્યા બાદ ગુમ બાળક અંગે પુછપરછ અને તપાસ કરી હતી. બનાવ બાદ આરોપી પણ ભેદી રીતે ગુમ થતા શંકા પ્રબળ બની હતી. દરમ્યાન હત્યા કર્યાની વિગતોનો ઘટસ્ફોટ થતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
'આ અંગે મોરબીના લીલાપર આવાસ ખાતેના વતની અને ફ્રુટના ધંધાર્થી ભુપત ભીખાભાઇ સોલંકીએ ગઇકાલે ધ્રોલ પોલીસમાં હાલ ધ્રોલના ચામુંડા પ્લોટ ચોકી પાસે રહેતા મુના ભીખા સોલંકીની વિરુઘ્ધ આઇપીસી કલમ 302 મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મુનાએ પોતાની પત્ની લલીતાબેન પર શંકા-કુશંકા કરતો હતો અને 3-4 દિવસ પહેલા ઝઘડો કરી પોતે પોતાના છોકરાને મારીને જાતે મરી જઇશ તેમ કહ્યું હતું અને છોકરો બીજા કોકનો છે તેમ કહીને શંકા કરતો હતો.' - ડી પી વાઘેલા, ડીવાયએસપી
પુત્રને તળાવમાં નાખી હત્યા: મુનો અવાર નવાર પત્ની તથા પરિવાર સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન બનાવના દિવસે આરોપી મુનો પોતાના ચાર વર્ષના પુત્રને સ્મશાન પાસે આવેલ તળાવે લઇ ગયો હતો અને કોઇ જોવે નહીં તેમ પાણીમાં નાખી મોત નીપજાવ્યું હતું. આ ફરીયાદના આધારે ધ્રોલ પીએસઆઇ પી.જી. પનારા દ્વારા તપાસ આગળ વધારવામાં આવી છે.