જામનગરમાં હવે કોરોના દર્દીને ઘરે બેઠાં મળી શકશે સારવાર
જીજી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતાં લેવાયો નિર્ણય
શહેરમાં કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે
જામનગર: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના અંગે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એસોસિએશનના હોદેદારો દ્વારા કોરોના અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જ્યારે જામનગરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતાં જાય છે, ત્યારે જામનગરની જીજી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતાં જતાં હોવાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ખાનગી તબીબો દ્વારા જે કોરોના દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાશે, તે દર્દીના ઘરે જઇને સારવાર આપશે.
આ ઉપરાંત ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલ હોમ આઇસોલેશન સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે. IMAએ જામનગર એકમની બેઠકમાં IMAના પ્રમુખ ડૉ. મહેશ દૂધાગરા, સેક્રેટરી ડૉ. નિકુંજ ચોવટીયા, અને ડૉ. વિજય પોપટ સહિતના અગ્રણી તબીબો જોડાયા હતાં.