જામનગર: જિલ્લામાં સોમવારથી વિનામૂલ્યે મે માસના અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વવ્યાપી કોરોના વાઇરસની સ્થિતિને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ અંત્યોદય ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ થયો છે.
જામનગર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 8 કલાક સુધી અને શહેરી વિસ્તારમાં બપોરના 2 થી રાતના 10 કલાક સુધી આ વિતરણ વ્યવસ્થા આજથી ૨૬ મે ૨૦૨૦ સુધી ચાલુ રહેશે. જામનગરના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા અને અગ્રતા ધરાવતા પી.એચ.એચ. 1 લાખ 65 હજાર 888 કાર્ડધારક પરિવારો અને એવા જ 1950 અંત્યોદય પરિવારો કે જે એન.એફ.એસ.એ.માં નોંધાયેલા નથી તેવા કુલ 1 લાખ 67 હજાર 838 પરિવારોને આ વિતરણ હેઠળ ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિશુલ્ક આપવામાં આવશે.
આ યોજના હેઠળ અંત્યોદય પરિવારોને ઘઉં 25 કિલો પ્રતિ કાર્ડ, ચોખા 10 કિલો પ્રતિ કાર્ડ અને ચણા, ખાંડ, મીઠું આપવામાં આવશે. જયારે એન.એફ.એસ.એ. હેઠળ અગ્રતા ધરાવતા પી.એચ.એચ. કુટુંબોને ઘઉં 3.5 કિલો પ્રતિ વ્યક્તિ, ચોખા 1.5 કિલો પ્રતિ વ્યક્તિ, ખાંડ કાર્ડ દીઠ 1 કિલો, મીઠું કાર્ડ દીઠ 1 કિલો અને ચણા આપવામાં આવશે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વ્યક્તિદીઠ વધારાના 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા અને કાર્ડ દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે. આમ, આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એકસાથે મળશે.
સમગ્ર વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો, ફરજિયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરિત કરવામાં આવી રહ્યું છે.