જામનગર: બિપરજોય હવે આજે સાંજે અથવા રાત્રે કચ્છની ધરતી પર લેન્ડ ફોલ કરે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને તેની વ્યાપક અસર દ્વારકા, જામનગર થવાની સંભાવના છે. ગઇકાલ બપોર બાદથી જામનગરમાં તેજ ગતિએ પવન ફુંકાવાનું શરુ થયું હતું. ઝંઝાવાતને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
વાવાઝોડાને પહોંચી વળવા સજ્જ: સાંજે શું થશે ? તેની ઉચ્ચક જીવે લોકો રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ હજારો લોકોનું સ્થળાંતર થઇ ચૂકયું છે. સેનાની ત્રણેય પાંખ, ફાયર બ્રિગેડની વધુ બોલાવવામાં આવેલી ટીમો, તરવૈયાઓ અને એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની અનેક ટુકડીઓ તમામ સાધનો સાથે સજ્જ છે. ગઇકાલે એરફોર્સના ગુજરાતના વિંગ કમાન્ડર દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ગરુડ કમાન્ડોને પણ મદદ માટે ઉતારવામાં આવશે.
તરવૈયાઓની 10થી વધુ ટીમો તૈયાર: ઇન્ડીયન નેવી દ્વારા ઓખા, પોરબંદર અને વાલસુરા જામનગરમાં તરવૈયાઓની 10થી વધુ ટીમો તૈયાર કરી છે, એક ટીમમાં 5 કાબેલ તરવૈયાઓનો સમાવેશ કરાયો છે. જરુર પડયે તરવૈયાઓની વધુ ટીમો સેના દ્વારા મોકલવામાં આવશે. સ્પીડબોટો પણ તૈયાર રખાઇ છે જેમાં એક બોટમાં 10થી 12 લોકોને ઝડપથી બચાવી શકાય એવી વ્યવસ્થા છે.
27 જેટલી બટાલીયન ટીમો તૈયાર: ગુજરાતના એરફોર્સના વિંગ કમાન્ડર અને પીઆરઓ એન.મનીષ દ્વારા એક વીડિયો સંદેશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં જણાવાયું હતું કે, ઇન્ડીયન આર્મી દ્વારા જામનગર, ભુજ, ગાંધીધામ, દ્વારકા, નલીયા, માંડવી વિગેરે માટે 27 જેટલી બટાલીયનો મોકલી છે, મેડીકલની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. એમણે કહ્યું હતું કે, આર્મી દ્વારા સ્થાનિક વહિવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો સાથે સંયુકત રીતે બચાવનું ઓપરેશન હાથ પર લીધું છે.
સેના દ્વારા ભોજનની વ્યવસ્થા: ઓખા, પોરબંદર અને આઇએનએસ વાલસુરા ખાતે આશ્રય સ્થાનો પર રહેલા લોકોને ભોજનની પણ વ્યવસ્થા સેના દ્વારા ગોઠવવામાં આવી છે. ભારતીય વાયુ સેનાએ વડોદરામાં એક મોટુ વિમાન, અમદાવાદમાં એક ચેતક હેલીકોપ્ટર, એક ટ્રાન્સપોર્ટ વિમાન દિલ્હી ખાતે તૈયાર રાખવામાં આવેલ છે. જામનગર, નલીયા અને ભુજ ખાતે બચાવ કામગીરી માટે ગરુડ કમાન્ડોની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા 15 શીપ અને 7 વિમાન બચાવ કાર્ય માટે તૈનાત કર્યા છે, હજારો લાઇફ જેકેટ તૈયાર રખાયા છે.
ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધનો સાથે સુસજ્જ તો છે જ આ ઉપરાંત બારડોલી, છોટા ઉદેપુર અને રાજપીપળાની નગરપાલિકાઓની વધુ ટીમો પણ સાધનો સાથે બોલાવવામાં આવી છે. વાવાઝોડા પૂર્વે જ જામનગર શહેરમાં સેંકડો વૃક્ષ પડી ગયા છે, ઠેકઠેકાણે વીજ પોલ પણ પડયા હોવાના કારણે પાવર સપ્લાયમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે. - કે.કે.બિશ્નોઈ, ચીફ ફાયર ઓફીસર, જામનગર
પવનની ગતિ 90 થી 100 કિ.મી.ની રહેશે: વાવાઝોડાની આંખ કચ્છ પર છે અને તેનો ઘેરાવો દ્વારકા તથા જામનગરને હીટ કરી રહ્યું હોવાથી આજે સાંજે અથવા રાત્રે આ વાવાઝોડુ ટકરાય ત્યારે દ્વારકા અને જામનગરમાં 120 અથવા 130ની ગતિએ પવન ફુંકાવાની દહેશત છે. જો કે વાવાઝોડું થોડુ નબળુ પડયું હોવાના સંકેતો પણ અપાઇ રહ્યા છે, આમ છતાં પવનની ગતિ 90 થી 100 કિ.મી.ની તો રહેશે જ. જો કે હવે આ વાવાઝોડુ એક ચોકકસ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હજુ પણ ફેરફાર થવાની શકયતા નકારી શકાતી નથી. જો કે જાનમાલની ઓછામાં ઓછી નુકશાની માટે તકેદારીના તમામે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
તમામ તૈયારીઓ પૂર્ણ: વહીવટી તંત્રએ બચાવ કામગીરી માટે તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, સેનાની મદદ લઇ લેવામાં આવી છે. ઠેર-ઠેર સામાજીક સંસ્થાઓ દ્વારા રસોડા ધમધમી રહ્યા છે. ઘડીયાળનો કાંટો આગળ વધતાની સાથે-સાથે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બની રહ્યો છે. દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સાંજે અથવા રાત્રે વાવાઝોડુ કચ્છ પર ત્રાટકે ત્યારે દ્વારકા અને જામનગરમાં શું થશે ? તેને લઇને લોકોના જીવ પડીકે બંધાયા છે. જોઇએ આ આફત અને માનવીને બચાવાની આ જંગમાં કુદરત કોનો સાથ આપે છે, ચારેકોર હવે પ્રાર્થના, દુઆ થઇ રહી છે, વાવાઝોડુ પસાર થઇ જાય અને લોકોને નુકશાની ન જાય એવી અપેક્ષા બધા રાખી રહ્યા છે.
- Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે કચ્છના તમામ દરિયાકિનારે પહોંચવાના રસ્તા પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યા
- Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ
- Cyclone Biparjoy: સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર યથાવત