જામનગર : જિલ્લામા મંગળવારથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શ્રીફળ વિધિ કરી આ ટેકાના ભાવની ચણાની ખરીદીનો શુભારંભ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ સંપૂર્ણ ખરીદી જામનગર તાલુકા ખાતે જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ હસ્તક કામગીરી કરવામાં આવશે.
આ તકે રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હંમેશા ખેડુતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને અનુસંધાને ગુજરાતમાં ૧લી મે થી ચણા અને રાયડાની ખરીદીનો અમરેલી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં ચણા અને રાયડાની ખરીદીની પ્રક્રિયા ચાલુ થઇ છે. જામનગરમાં આજે આ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આશરે ૪૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમની જણસની ખરીદી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવશે. આ સાથે જ રાજ્યપ્રધાને યાર્ડ ખાતે હાલમાં થઈ રહેલી ઘઉંની ખરીદીની સમીક્ષા પણ કરી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, જામનગર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ધીરુભાઈ કારીયા, હાપા માર્કેટીંગ યાર્ડના ડીરેકટર પ્રવિણસિંહ ઝાલા, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ડો મુકુંદભાઈ સભાયા અને જયેન્દ્રભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા.