આજે આ કેન્દ્વ દ્વારા અનેક બાળકોના જીવ બચ્યા છે. આવુ જ જામનગર જિલ્લાનુ બાલા સંજીવની કેન્દ્ર જી.જી.હોસ્પિટલ ખાતે ‘મિશન બાલ સુખમ’ અંતર્ગત કાર્યરત છે. જેનાં પોષણ પુનર્વસન કેન્દ્વ થકી અનેક બાળકોને કુપોષણથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાનાં એક ખંભાળીયાના રહેવાસી અને ૧૧ માસના બાળક યુવરાજ ચૌહાણના દાદી સવિતાબેન કહે છે કે, “મારા પોતરાની સાચી મા આ સંજીવની કેન્દ્ર બન્યું છે, મરવા પડેલા મારા દિકરાને અહીંયાથી જીવતર મળ્યું છે.” યુવરાજ કુપોષણનો શિકાર હતો, માતા કુપોષિત હોવાથી બાળકનો વિકાસ ન હતો ઉપરાંત બાળકને ખાનગી ડોક્ટરો દ્વારા નિદાન કરાતા અન્નનળીમાં ચાંદાનુ નિદાન થયું હતું અને ખોટા નિદાનના કારણે બાળક મરણ પથારી સુધી પહોંચી ગયું હતું. પરંતુ સાચા સમયે જી.જી.હોસ્પિટલના એન.આર.સી.કેન્દ્વ પર બાળકને લાવતા તેનું બાળકોના નિષ્ણાંત દ્વારા સાચું નિદાન થયું અને આજે બાળક ખિલખિલાટ કરતું થયું છે.
આવા જ અન્ય એક કલ્યાણપુરના વતની એવા ૯ માસના બાળક રુદ્વ વગડાની પણ કંઈક આવી જ કહાની છે. રુદ્વ લાંબા સમયથી કોઈ આહાર જ લઈ શક્તો ન હતો. જેના કારણે બાળક રુદ્વને લોહતત્વની ઉણપ સર્જાઇ હતી. અંધશ્રધ્ધાળુ માતાને કારણે પણ બાળક વિટામીન ડી, લોહતત્વની ઉણપનો શિકાર બન્યું અને અંતે તેને જી.જી.હોસ્પિટલ ખાતે બાળકોના નિષ્ણાંત પાસે લાવવામાં આવ્યું અને ત્યાંથી તેની માતાનું કાઉન્સેલીંગ કરાયું તેમજ રુદ્વની સારવાર કરાઈ જે બન્ને સફળ થતા આજે રુદ્વ તંદુરસ્ત છે. જેનો શ્રેય એન.આર.સી. જામનગરના કર્મયોગીઓને આપતા રુદ્વના પિતા અમિતભાઈ વગડા કહે છે કે,“મારા દિકરાને બચાવનાર આ કેન્દ્વનો હું ખુબ આભારી છું. મારા બાળકનો જીવ બચાવવા આવી સેવા ચાલુ કરવા માટે સરકારનો ખુબ જ આભારી છું.
જામનગરના જી.જી.હોસ્પિટલના પોષણ પુનર્વસન કેન્દ્વના પોષણવિદ ક્રિષ્નાબેન દવે અને તેમના આસીસ્ટન્ટ તેમજ કાઉન્સેલર તરીકે કાર્યરત મોમીનાબેન બુખારીના જણાવ્યા મુજબ આપણા દેશમાં પરિવારની રીતી, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓ સામે લડીને અમે પરિવારોનું કાઉન્સેલીંગ કરીએ છીએ તેમજ બાળકો માટે સુપોષણની દરેક વ્યવસ્થા કરાવીએ છીએ. કારણ કે, જો આજે બાળકો તંદુરસ્ત હશે તો આપણું ભવિષ્ય તંદુરસ્ત થશે અને એ જ નેમ સાથે અમે તેમજ અમારા રસોયા, આયા બહેન બધા જ બાળકો માટે સતત ખડે પગે રહેવા તત્પર રહીએ છીએ. સરકારશ્રીની આ યોજના (લોકસેવા) માટે અનેક માતા-પિતા તેમના આભારી છે.