- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- મુખ્યપ્રધાને રિલાયન્સની કોવિડ હોસ્પિટલનું ઈ-ઉદ્ઘાટન કર્યું
- 400 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી
જામનગરઃ હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. જામનગરમાં રિલાયન્સ દ્વારા 1,000 બેડની કોવિડ હોસ્પિટલને શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મંગળવારના રોજ 400 બેડની કોવિડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાકીના 600 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વસાવ્યા
રિલાયન્સની કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વસાવ્યા છે તેમજ અનુભવી સ્ટાફ રાખવામાં આવ્યો છે. ઓક્સિજન તેમજ દવાઓ કોરોનાના દર્દીઓને તાત્કાલિક મળી રહે તે માટેની તમામ સુવિધા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 4 મે ના રોજ મુખ્યપ્રધાન વિજયભાઇ સાંજે રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું કરશે ઇ-ઉદ્ઘાટન
ડેન્ટલ કોલેજમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરાઇ
જામનગર ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગંભીર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે સમગ્ર પંથકના કોરોનાના દર્દીઓ જામનગરમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેના કારણે જામનગરની ખાનગી અને સરકારી હોસ્પિટલ હાઉસફૂલ બની છે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બનતા રિલાયન્સ આગળ આવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણીના કહેવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ તાત્કાલિક જામનગરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિતના કોરોનાના દર્દીઓ જામનગરમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેના કારણે જામનગરની તમામ હોસ્પિટલો હાઉસફુલ બની છે.
આ પણ વાંચોઃ રાજકોટ SNK સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું, દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર