જામનગર: અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યું હતું. આજ ભૂમિ પર ગત વર્ષે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપૂતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.
હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવિડ-19ને અનુલક્ષીને ચાલુ વર્ષે આ શ્રદ્ધાંજલિ સમારોહનું સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અંદાજીત 50થી ઓછી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભૂચરમોરી યુદ્ધ રાજગાદી લેવા નહીં, પરંતું આશરા ધર્મ માટે યોજાયુ હતું, તેમ જણાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા 29 વર્ષથી આ શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવા અને સમાજને સંગઠીત કરવા માટે અથાગ પ્રયત્નો કરતાં ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના અભિનંદન.
આ તકે રાજપૂત સમાજના આગેવાન ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા અને રાજભા જાડેજાએ ભૂચરમોરી ખાતે યોજાયેલા યુદ્ધના ઇતિહાસથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. આ તકે ધ્રોલ રાજપૂત સમાજના આગેવાનો ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, વિસુભા ઝાલા, દશરથબા પરમાર તેમજ રાજપુત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.