જામનગરઃ રાજ રજવાડા સમયે પરિવહનના મુખ્ય પર્યાય અશ્વ હતા. એક સમયે અશ્વ પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતો હતો. આજે પણ શોખીનો અશ્વોના લાલન પાલન પાછળ કરોડો ખર્ચતા જોવા મળે છે. આવાજ એક અશ્વ પ્રેમી છે જામનગરના લોઠિયા ગામના ચરણજીત સિંહ મેહડુ. તેમને અશ્વ માટે ખાસ ફાર્મ હાઉસ બન્યાવ્યું છે જેમાં 12થી વધુ જાતવાન અશ્વો છે. તેઓ 12 વર્ષથી હોર્સ બ્રીડિંગ પણ કરાવે છે. ચરણજીત સિંહ પાસે 'કેસરિયો' નામક કરોડોનો એક જાતવાન અશ્વ છે. આ અશ્વ માત્ર જામનગર જ નહી આસપાસના સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે.
પુષ્કરના મેળાનું પ્રમુખ આકર્ષણઃ રાજસ્થાનના પુષ્કર પશુ મેળામાં ચરણજીત સિંહે આ અશ્વને રજૂ કર્યો હતો. આ અશ્વ પુષ્કરના મેળાનું પ્રમુખ આકર્ષણ બની રહ્યો હતો. પુષ્કરના મેળામાં ઊંટ, ગાય, બળદ અને અશ્વોને લેવેચ માટે રજૂ કરવામાં આવે છે. કેસરિયા અશ્વએ આ મેળામાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. પેરિસના એક વેપારીએ રુ.10 કરોડની ઓફર કરી છે. જો કે કેસરિયા અશ્વને ખૂબ જ પ્રેમ કરતા માલિક ચરણજીત સિંહે આ ઓફરનો સહર્ષ અસ્વીકાર કર્યો છે. જો કે કેસરિયાના વછેરાને કુલ 51 લાખ રુપિયામાં સોદો કરવામાં આવ્યો છે.
કેસરિયાની ખાસિયતઃ 'કેસરિયો' મારવાડી પ્રજાતિનો અશ્વ છે. મોટાભાગે આ પ્રકારના અશ્વ માત્ર મારવાડ પ્રદેશમાં જ જોવા મળે છે. એટલું જ નહીં અગાઉ રાજા રજવાડાના સમયમાં યુદ્ધ અને લડાઇ વખતે મારવાડી ઘોડા જ વધુ રાખતા હતા. મારવાડી ઘોડાની ખાસિયત એ છે કે આ ઘોડા અન્ય ઘોડાની સરખામણીમાં દોડવામાં વધુ ઝડપી હોય છે અને રણ પ્રદેશમાં પણ સરળતાથી દોડી શકે છે.
મને અશ્વ માટે બહુ પ્રેમ છે. મેં અશ્વ માટે ખાસ ફાર્મ હાઉસ પણ બનાવ્યું છે. જેમાં 'કેસરિયો' સહિત 12થી વધુ જાતવાન અશ્વ છે. 'કેસરિયો' પોતાની સુંદરતાને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે...ચરણજીત સિંહ(અશ્વ પ્રેમી, જામનગર)