જામનગરઃ નેવલ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (NWWA), INS વાલસુરાની વાર્ષિક સાધારણ સભા 2020નું આયોજન 05 સપ્ટેમ્બર 2020ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોર કમિટીના સભ્યો દ્વારા પ્રેઝન્ટેશન આપ્યુ હતું. આખા વર્ષ દરમિયાન યોજવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે માહિતી અને દ્વિ-વાર્ષિક ન્યૂઝલેટર ‘વરુણી’ના વિમોચન જેવી વિવિધ પ્રવૃત્તિઓ સમાવી લેવામાં આવી હતી.

NWWA (SR)ના અધ્યક્ષ સપના ચાવલાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગમાં હાજરી આપી હતી. સપના ચાવલાએ પોતાના સંબોધન દરમિયાન આરોગ્ય અને સુખાકારી જેવી બાબતો પર તેમના મૂલ્યવાન ઇનપુટ્સ આપ્યા હતા. અને પ્રવર્તમાન પોષણ સપ્તાહ ઉજવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન માસ્ક ઉત્પાદન અને અન્ય લોકસંપર્ક પ્રવૃત્તિઓના આયોજનમાં NWWA (વાલસુરા)ની મહિલાઓએ આપેલા યોગદાનની તેમણે પ્રશંસા કરી હતી.

આ વિપરિત સમયમાં જીવનમાં સકારાત્મકતાના મહત્વ પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. તમામ સહભાગીઓને તમામ પ્રવૃત્તિઓમાં પોતાના તરફથી શ્રેષ્ઠ પરિણામ આપવા માટે પ્રેરણા આપી હતી. NWWA (વાલસુરા)ની મહિલાઓએ લાઇવ મેડિટેશન કેપ્સ્યૂલમાં પણ ભાગ લીધો હતો.
NWWA, વાલસુરાના અધ્યક્ષે પોતાના સંબોધનમાં ટીમવર્કના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને તમામ સભ્યોએ સમગ્ર સમુદાયને એકજૂથ રાખવા માટે આપેલા અનમોલ યોગદાન બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.