જામનગર : ગુલાબ પ્રેમનું પ્રતીક છે. ગુલાબ ખુશી અને સફળતા અને અપ્રિતમ આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ સંજોગોમાં ઘણી વખત પુરુષો પણ ગુલાબને કોટના ખિસ્સામાં રાખીને ઉપયોગ કરતા હોય છે. ત્યારે વાલસુરા ટ્રેનીંગ ડિઝાઇન ઓફિસમાં ફરજ બજાવતા રામજીભાઈ કોર્ટના ડાબી બાજુના ખિસ્સામાં દરરોજ ત્રણથી ચાર ગુલાબના ફૂલો રાખે છે. તેમજ તેઓ જમણા હાથમાં લટકતી કેરી બેગમાં પણ સાથે ગુલાબના ફૂલ રાખે છે.
4 માર્ચ 1960ના જામનગર જિલ્લાના જોડિયામાં જન્મેલા રામજીભાઈ ચાર વર્ષની ઉંમરથી જ ગુલાબનો અદભુત શોખ ધરાવે છે. લોકો તેને વર્ષોથી ગુલાબભાઈ તરીકે ઓળખે છે. માત્ર 4 વર્ષની વયે તેમણે નરગીસને ગુલાબના ફૂલ આપ્યા હતા. ત્યારથી તેઓને ગુલાબની ધૂન સવાર થયેલી છે. તેઓ દિવસભર સાથે રાખેલા ગુલાબને રાત્રે પાણીમાં નજાકતથી પધરાવે છે. રામજીભાઈનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ આવી ચૂક્યું છે.
હજુ થોડા સમય પહેલાં જ તેઓ વાલસુરામાંથી નિવૃત્ત થયા છે અને અલગ પ્રકારનો શોખ ધરાવે છે. તેઓએ ગુલાબને પોતાના જીવનનું પ્રતીક બનાવી દીધું છે. અત્યાર સુધીમાં તેઓએ અનેક રાજકારણીઓને પોતાના હાથે ગુલાબ આપેલા છે.
રામજીભાઈએ અત્યાર સુધીમાં 16 લાખથી વધુનો ખર્ચ ગુલાબ પાછળ કર્યો છે. તેઓ બેંગ્લોરથી રંગબેરંગી ગુલાબ વિમાન મારફતે મંગાવે છે. તેમજ સવારથી તેઓ પોતાના કોટમાં રંગબેરંગી ગુલાબો લગાવી અને ઘરની બહાર નીકળે છે.