- કારખાનેદારના સગીર પુત્ર અને શ્રમિકે સગીરા પર દુષ્કર્મ આચર્યું
- દુષ્કર્મ આચર્યા બાદ શખ્સો સગીરાને આપતા હતા ધમકી
- મેડિકલ તપાસમાં સગીરને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું
જામનગર: એક કારખાનામાં મજૂરી કામ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી કારખાનેદારના સગીર પુત્રની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે કારખાનામાં કામ કરતા એક શ્રમિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરાના પેટમાં અઢી માસનો ગર્ભ હોવાનું પરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. જામનગરમાં રહેતી 16 વર્ષની એક તરૂણી તે જ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજૂરી કામે જતી હતી. જ્યાં કારખાનેદારના સગીર વયના પુત્ર તેમજ કારખાનામાં કામ કરતા દિપક સીદુભાઈ નામના પરપ્રાંતિય શ્રમિક બન્નેએ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.
પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી
આ બનાવમાં પોલીસે તરૂણીની તબીબી ચકાસણી દરમિયાન અઢી માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંન્ને આરોપીઓ સામે દુષ્કર્મની કલમ તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને કારખાનેદારના સગીર પુત્રની અટકાયત કરી લઇ રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે પરપ્રાંતિય શ્રમિક દિપકની ધરપકડ કરી લઇ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે અને અદાલત સમક્ષ રજૂ કરાયો છે.