જામનગર: લોકડાઉન દરમિયાન હિંસાના કેસો વધી રહ્યાં છે. 181 અભયમ સ્ત્રીલક્ષી પ્રશ્નોના નિવારણ માટે સરકાર દ્વારા સતત કાર્યરત રાખવામાં આવી છે. જામનગરમાં અત્યાર સુધીમાં અભયમને 80થી વધુ કોલ મળ્યા છે.
હાલ લોકડાઉનમાં લોકોમાં હિંસાના પ્રશ્નો સતત વધી રહ્યા છે. લોકડાઉનની અમલવારીથી આજદિન સુધીમાં અભયમને કુલ 80થી વધુ કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ (50થી વધુ) ઘરેલુ હિંસાના કેસ જોવા મળ્યા છે. જામનગર ખાતે 181 અભયમમાં કાર્યરત ત્રણ કાઉન્સેલર બહેનો વંદનાબેન ઝાલા, ગીતાબેન બાવલવા અને સરલાબેન ભોયા દ્વારા આ કેસનું સ્થળ પર જ સમાધાન કરાવાયું છે.
૧૮૧ અભયમને મળતા કોલમાં હાલ ઘરમાંથી કાઢી મૂકયા હોય તેવા અને ચાઇલ્ડ કસ્ટડીના ૩થી વધુ કેસ છે. જ્યારે હાલ બીજા ઘણા પ્રકારના કેસ જેવા કે છેડતી વગેરે જેવા 9 થીવધુ કેસ નોંધાયા છે. મહત્તમ કેસમાં કાઉન્સેલર બહેનો દ્વારા પરિવારને ફરી પૂર્વવત સારું જીવન જીવવા માટે કાઉન્સેલિંગ કરી પ્રશ્નનું સમાધાન કરાવવામાં આવે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્ત્રીની સલામતીના પ્રશ્નોને લઈને તેમને પોલીસ સ્ટેશન રીફર કરવામાં અથવા તો સખી વન સ્ટોપ સેન્ટર કે વિકાસગૃહ જેવા કેન્દ્ર પર મોકલવામાં આવે છે.
આ ઉપરાંત ઘણી પરિસ્થિતિમાં સમાધાન શક્ય ન હોય તો સ્ત્રીના પૈતૃક પરિવારની કોઈ વ્યક્તિ હોય તો તેને સ્ત્રીને સોંપી તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.181 અભયમના કાઉન્સેલર વંદનાબેન ઝાલા જણાવે છે કે, વર્તમાન પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના કેસમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય પરિસ્થિતિમાં અમને મળતા કેસ શહેર વિસ્તારના વધુ હોય છે જ્યારે હાલ શહેરમાં વસતા અનેક લોકો પણ પોતાના ગ્રામ વિસ્તારમાં જઇને અત્યારે વસ્યા છે ત્યારે લોકડાઉનના સમયમાં સંયુક્ત પરિવાર કે અન્ય તકલીફોના કારણે પણ અભયમમાં ગ્રામીણ વિસ્તારના કેસના કોલની સંખ્યા વધી છે.
સામાન્ય રીતે જોવા મળતી પરિસ્થિતિથી વિરુદ્ધ હાલ લોકડાઉનમાં પરિવારમાં સતત બધાનું સાથે રહેવું, બહાર ન નિકળી શકવાથી નાના-મોટા પ્રશ્નોના ઝગડામાં મળતો કુલિંગ પિરિયડ ન મળતો હોવાથી પારિવારિક સમસ્યાઓ વધી રહી છે. ત્યારે કાઉન્સેલિંગ કરી પરિવારને વિખેરાતો અટકાવવા અને સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ કરાવવા 181 અભયમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.