ગીર સોમનાથઃ એક માસથી ગીરસોમનાથના માછીમારી બંદર વેરાવળમાં લોકડાઉનના કારણે 4 હજાર આંધ્રપ્રદેશના માછીમારો ફસાયા હતાં. આ માછીમારો વતન જવા માટે અધીરા બન્યા હતાં. આ માછીમારોએ ઇટીવી ભારતના વિશાળ નેટવર્કના માધ્યમથી તા 23 અને 24 ના રોજ ગુજરાત, કેન્દ્ર અને આંધ્રપ્રદેશ સરકારને પોતાના વતન લઈ જવા દર્દભરી અપીલ કરી હતી, ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું અને મંગળવારે 48 સ્પેશિયલ ખાનગી બસોમાં માછીમારોને પોતાના વતન રવાના કરવામાં આવ્યાં હતાં.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, સાંસદ અને ધારાસભ્ય વગેરે આગોવાનોએ લીલીઝંડી બતાવી જય સોમનાથના નાદથી માછીમારોને વિદાય આપી હતી, ત્યારે ઇટીવી ફરી એક વખત ભારતના વિવિધ પ્રાંત, ભાષા અને સંસ્કૃતિના લોકોની વાત એકબીજા સુધી પહોંચાડવાનો સેતુ બન્યું હતું.
લોકડાઉનના કારણે વેરાવળ બંદર પર ફિશિંગ બોટો બંધ થતા આંધ્રપ્રદેશના 4 હજાર જેટલા માછીમારો વેરાવળ બંદરે ફસાયા હતા ત્યારે એક માસ દરમિયાન માછીમારોને તેમની બોટમાંજ ક્વોરનટાઈન કરાયા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતુ. સદનસીબે તમામ માછીમારો રોગ મુક્ત જણાયા હતા.
એક માસથી વધુનો સમય વીત્યો ત્યારે કમાનારા માછીમારો વેરાવળમાં ફસાંતાં આંધ્રપ્રદેશમાં તેમના પરિવાર ચિંતીત બન્યા હતા. આ તરફ પરિવારની ચિંતામાં એક માછીમારને હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું. જેથી તમામ માછીમારોએ ઇટીવી ભારત દ્વારા વિનંતી સાથે વતન જવા માટે ગુજરાત, આંધ્ર અને કેન્દ્ર સરકારને દર્દભરી વિનંતી કરી હતી.
આમ, ઇટીવી ભારતે ગુજરાત અને આંધ્ર બન્ને સરકાર સામે આ ગરીબ માછીમારોની દયનિય સ્થિતિ સમજીને તેમની મદદ કરી હતી અને આખરે માછીમારોને તેમના વતન જવા રવાના કરાયાં હતાં.