ગીર સોમનાથ: આજથી સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે સોમનાથ જિલ્લાના 5 ખરીદ કેન્દ્રો પર ખેડૂતો ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચવા થી દૂર રહ્યા હતા એક માત્ર કોડીનાર સેન્ટર પર 10 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચીને જિલ્લામાં ખરીદ પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે, પરંતુ બરાબર આજ સમયે ખુલ્લી બજારમાં પણ સરકારે જાહેર કરેલા ભાવો કરતા વધુ બજાર ભાવો મગફળીના મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો સરકારને મગફળી વહેંચવાથી દૂર જોવા મળી રહ્યા છે.
ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ: મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારના પ્રતિનિધિ રૂપે હાજર રહેલા કોડીનારના સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમન વાજા એ ખરીદ પ્રક્રિયામાં સામેલ થઈને ખરીદીની શરૂઆત કરાવી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીર ગઢડા કેન્દ્રમાં 7,337 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે સરકારે પ્રતિ 20 કિલો મગફળીના જાહેર કરેલા 1,275 રૂપિયા ભાવ સામે ખુલ્લી બજારમાં ખેડૂતોને 1,350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ભાગ લેવાથી અડગા રહ્યા છે.
ખેડૂતોને કેમ માફક ન આવી ટેકાના ભાવની પ્રક્રિયા: આ મામલે કોડીનાર તાલુકાના દુદાણા ગામના ખેડૂત હાજાભાઇ ચૌહાણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જે રીતે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે, તેના કરતાં ખુલ્લી બજારમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સરકારી ખરીદ પ્રક્રિયાથી દૂર જોવા મળી રહ્યાં છે. સરકાર ટેકાના ભાવમાં ખુલ્લી બજાર જેટલો વધારો કરે તો ખેડૂતો ફરી એક વખત સરકારને ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે પહેલ કરી શકે છે. પરંતુ હાલ તો ખુલ્લી બજારમાં સારા બજાર ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો સરકારની ખરીદ પ્રક્રિયાથી દૂર રહ્યાં છે.