- ગીર જંગલના રાજા સિંહો વારંવાર માનવ વસતીવાળા વિસ્તારોમાં જોવા મળે છે
- તમામ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા કોઇ રાહદારી ચાલકે કેમેરામાં કેદ કરી
ગીર સોમનાથ: ગીર જંગલના રાજા સિંહો ખોરાકની શોઘમાં વારંવાર માનવ વસતીવાળા વિસ્તારોમાં ચઢી આવતા જોવા મળે છે. ત્યારે તાલાલા પંથકના માઘુપુર ગીર ગામના પાદરે રસ્તા પર આરામથી મિજબાની માણતા જંગલના રાજા સિંહના રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. એક તરફ સિંહ રસ્તા પર બેસીને મિજબાની માણી રહ્યો હતો. જયારે બીજી તરફ રાહદારીઓ કતારબંઘ લાઇનમાંથી પસાર થઇ રહ્યા હતા. આ તમામ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
માધુપુર ગીરમાં રોમાંચક દ્રશ્યો સર્જાયા
ગીર જંગલના રાજા સિંહો ખોરાકની શોધમાં વારંવાર માનવ વસતિવાળા વિસ્તારોમાં ચડી આવતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં સમી સાંજના સમયે તાલાલા પંથકના માઘુપુર ગીર ગામના પાદરમાં રસ્તા પર સિંહે એક પશુનું મારણ કર્યુ હતું. ત્યાં જ રસ્તા પર એક સાઇડમાં બેસીને સિંહે મારણ કરેલા પશુની આરામથી મિજબાની માણી હતી. આ સમયે કોઈએ સિંહને પરેશાન કર્યા નથી. આરામથી રસ્તા વચ્ચે બેસીને પેટ ભરીને ભોજન કર્યા પછી સિંહ જંગલ તરફ રવાના થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા કોઇ રાહદારી ચાલકે કેમેરામાં કેદ કરી લીઘી હતી.
અનોખા અંદાજમાં વનરાજની મિજબાની
રસ્તા પર બેસીને મિજબાની માણતા જંગલના રાજા સિંહના કેદ કરાયેલા દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયો એક-બે દિવસ જુના હોવાનું જાણવા મળ્યું છે. જે રસ્તા પર સિંહ મિજબાની માણતો નજરે પડ્યો હતો. તે રસ્તો ગ્રામ્ય પંથકના ગામડાઓને જોડતો હોવાથી વાહનોની દિવસભર અવર-જવર રહે છે. એ સમયે પસાર થયેલા વાહન ચાલકોને સિંહ દર્શનના રોચક દ્રશ્યોનો મફતમાં લ્હાવો મળ્યો હતો.