ગીર સોમનાથ : જિલ્લામાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના ઇરાદા પર સોમનાથ પોલીસે પાણી ફેરવી દીધું છે. ઉના પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસ કાફલાએ શહેરમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાંથી રેડ પાડી હતી. આ રેડમાં અંદાજે 30 લાખ 66 હજાર કરતાં વધુના વિદેશી દારૂના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની રેડ દરમિયાન દીપક જાદવ નામનો બુટલેગર પોલીસના હાથે પકડાયો છે. અન્ય પાંચ ઈસમો અંધારાનો લાભ લઈને ફરાર થવામાં સફળ રહ્યા છે. જેઓને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશી દારુનો જથ્થો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર તહેવારોના સમયમાં પરપ્રાંતીય દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો પૂરજોશમાં છે. ત્યારે રસિક જીણા બામણીયા અને તેનો સાગરીત નિમિત તેમજ રસિકના ભાગીદાર ભગાભાઈ જાદવે ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેના પર પોલીસે કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે ઉનાના ખાનગી ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. આજની પોલીસ રેડ દરમિયાન 8196 પરપ્રાતિય દારૂની બોટલ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ઉનાના નામચીન બુટલેગર રસિક બામણીયા અને દીપક જાદવે આ દારૂ મંગાવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહે છે. દમણથી દારૂ ઉના સુધી કઈ રીતે પહોંચ્યો તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ દીપક જાદવ પોલીસ પકડમાં છે. અન્ય છ આરોપીઓ પોલીસ પકડથી દૂર જોવા મળે છે. જેને પકડી પાડવા માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.-- જીતેન્દ્ર અગ્રવાલ (ASP,ઉના)
બુટલેગરોમાં ફફડાટ : પકડાયેલા દારૂની 336 પેટી ઉના સુધી કઈ રીતે પહોંચી તેને અંગે પણ ઉના પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં પરપ્રાંતિય દારુ ઝડપાયો છે. જેને લઈને ઉના પંથકના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છાનેખૂણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગર રસિક જીણા બાંભણિયાનો દારૂ અત્યાર સુધી પોલીસને પકડી પાડવામાં સફળતા મળી ન હતી. પરંતુ નવા આવેલા મદદનીશ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલે રસિક બામણીયાના દારુના ખેલ પર પાણી ફેરવી દીધું છે.