સોમનાથ: કંડારાયેલી કલાને સમર્પિત એવો આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે. એક સમયે ખૂબ જ જાહોજહાલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહેલા ફોટોગ્રાફી ઉદ્યોગ આજે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મથે છે. એક સમયે ફોટોગ્રાફી ઉદ્યોગની બોલબાલા જોવા મળતી હતી. પરંતુ ટેકનોલોજીના આ યુગમાં આધુનિક મોબાઈલ નું સંસ્કરણ બજારમાં આવવાને કારણે લોકોનો ફોટો પડાવવાનો શોખ ઓછો નથી થયો. પરંતુ કેમેરામાં ફોટો પડાવવાને લઈને લોકો હવે ઉદાસીન બની રહ્યા છે. જેને કારણે જીવનની કેટલીક સારી નરસી ખાટી અને મીઠી ઘટનાઓને કચકડે કેદ કરનાર ફોટોગ્રાફ અને તેની સાથે સંકળાયેલો આખો ઉદ્યોગ આજે મુશ્કેલ દૌરમાંથી પસાર થતો જોવા મળે છે.
![ફોટોગ્રાફી ઉદ્યોગ આજે પોતાને અસ્ત થતો બચાવવા માટે જાણે કે દરિયા સાથે બાથ ભીડતો હોય તે પ્રકારનો સમય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/gj-jnd-01-photography-vis-01-byte-01-pkg-7200745_19082023070240_1908f_1692408760_96.jpg)
"મોબાઈલના યુગમાં ફોટોગ્રાફીનો ઉદ્યોગ દિવસે અને દિવસે ઘટી રહ્યો છે. એક સમયે સમગ્ર પરિવારનું ભરણપોષણ એકમાત્ર ફોટોગ્રાફી ઉદ્યોગ કરી રહ્યું હતું. પરંતુ આજે ફોટોગ્રાફી થકી એક દિવસના 200 રુપિયા કમાવવા પણ ખૂબ જ આકરુ લાગે છે. હરીફાઈના આ યુગમાં આજે ફોટોગ્રાફી થકી રોજગારી મેળવી ઘર ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવી વાત માનવામાં આવે છે. જે સૌ કોઈને ગળે ન ઉતરતી હોય પરંતુ ફોટોગ્રાફરો આજે 100 રૂપિયાનું કામ મેળવવા માટે આખો દિવસ સોમનાથમાં તપશ્ચર્યા કરતા જોવા મળે છે.." વિજય બામણીયા (પ્રમુખ ફોટોગ્રાફી એસોસિએશન સોમનાથ)લોકો ફોટા પડવવા માટે કરે છે પોતાના ફોનનો ઉપયોગ
ફોટોગ્રાફરની બોલબાલા: ટેકનોલોજીના યુગમાં મોબાઈલનો પ્રવેશ થયો ત્યાં સુધી ફોટોગ્રાફરની ખૂબ મોટી બોલબાલા જોવા મળતી હતી. લગ્ન જેવા શુભ પ્રસંગોમાં પંડિત પહેલા ફોટોગ્રાફર ને શોધવા માટે વર અને કન્યા પક્ષના માતા પિતા ચિંતિત બન્યા હતા. લગ્ન માટે પંડિત ખૂબ સરળતાથી મળતા હતા, પરંતુ લગ્નની આ અવિસ્મરણીય ક્ષણોને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરને શોધવા ખૂબ મુશ્કેલ કામ હતું, પરંતુ આજે સમય બદલાતા તેમજ ટેકનોલોજીના આધુનિક સંસ્કરણને કારણે એક સમયે ખૂબ જ બોલબાલામાં જોવા મળતો ફોટોગ્રાફી ઉદ્યોગ આજે પોતાની જાતને લુપ્ત થતા બચાવવા માટે રીતસર જજુમી રહ્યો છે. એક સમયે રોજગારી આપતા આ ઉદ્યોગ આજે કામ શોધી રહ્યો છે.
![ધુનિક યુગમાં કલા વારસા પર ટેકનોલોજીનો જોવા મળે છે દબદબો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/gj-jnd-01-photography-vis-01-byte-01-pkg-7200745_19082023070240_1908f_1692408760_573.jpg)
સોમનાથ ચોપાટી પર 500 ફોટોગ્રાફર: સોમનાથ ચોપાટી પર એક સમયે 500 કરતાં વધુ ફોટોગ્રાફરો રોજગારી મેળવી રહ્યા હતા. પરંતુ આજે 100 થી 200 જેટલા ફોટોગ્રાફરો જોવા મળે છે. તેમાંથી માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેટલા ફોટોગ્રાફરોને છૂટક કામ મળી રહ્યું છે. સોમનાથ ચોપાટી પર જૂનાગઢ અને પોરબંદર થી પણ ફોટોગ્રાફરો પોતાની રોજગારી માટે આવતા હતા. આજે તે પણ ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. એક સમયે ગ્રાહકોને ના બોલનારા ફોટોગ્રાફરો આજે કામ શોધી રહ્યા છે. આજથી દસેક વર્ષ પૂર્વે ની વાત કરીએ તો પ્રત્યેક ફોટોગ્રાફરો દિવસના એક હજાર રૂપિયા જેટલું મહેનતાણું મેળવી રહ્યા હતા. પરંતુ આજે મુશ્કેલ દિવસોમાં સો રૂપિયા કરતાં પણ ઓછું મહેનતાણું મળે છે.
![આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/gj-jnd-01-photography-vis-01-byte-01-pkg-7200745_19082023070240_1908f_1692408760_846.jpg)
Vintage Camera Collection : કચ્છના યુવા ફોટોગ્રાફરનો ગજબ શોખ, 100થી વધુ વિન્ટેજ કેમેરાનો સંગ્રહ