- સોમનાથ ટ્રસ્ટની 11મી જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક યોજાશે
- વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત તમામ ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાશે
- સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખની થઈ શકે છે નિયુક્તિ
ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક આગામી 11મી જાન્યુઆરીના દિવસે મળવા જઈ રહી છે. જેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને અંબુજા ગ્રુપના હર્ષવર્ધન નીયેટીયા સહિત તમામ ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાશે. શક્યતાઓ એવી પણ વ્યક્ત થઈ રહી છે કે, આગામી ૧૧મી તારીખે સોમનાથ ટ્રસ્ટને નવા પ્રમુખ મળી શકે છે.
કેશુભાઇ પટેલનું અવસાન થતા પ્રમુખ પદ છે ખાલી
ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ પટેલનું થોડા મહિના અગાઉ દુઃખદ નિધન થયું હતું. ત્યારથી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખનો હોદ્દો ખાલી જોવા મળે છે, ત્યારે આગામી સોમવાર અને 11 તારીખના દિવસે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ પૈકી કોઇ એકને સોમનાથના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
લાલ કૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નીયેટીયા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર
સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પુર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની શક્યતાઓને નકારી શકાતી નથી. જ્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, ત્યારે પ્રમુખ તરીકે સર્વાનુમતે લાલકૃષ્ણ અડવાણીની પસંદગી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે, લાલ કૃષ્ણ અડવાણીનું આરોગ્ય અને તેની સતત વધી રહેલી વયને કારણે તેઓ કદાચ પ્રમુખપદનો તાજ ગ્રહણ ન કરે તેવી શક્યતાઓને આજના દિવસે નકારી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં બીજા પ્રબળ દાવેદાર તરીકે હર્ષવર્ધન નિયેટીયાની પસંદગી થાય તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. હર્ષવર્ધન નીયેટીયા અંબુજા ગ્રુપના ચેરમેન છે, ત્યારે આગામી બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પણ હર્ષવર્ધન નિયેટીયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જામનગરના જામસાહેબ તેમજ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સહિતનાઓ રહી ચૂક્યા છે પ્રમુખ
સોમનાથ ટ્રસ્ટનુ મોભાદાર પ્રમુખ પદ જામનગરના જામસાહેબે પણ શોભાવ્યું છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત જયસુખભાઇ હાથી પણ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખનો હવાલો સંભાળી ચૂક્યા છે. દિનેશ શાહ પણ પ્રસિદ્ધ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પદે બિરાજી ચૂક્યા છે, ત્યારે છેલ્લા 16 વર્ષથી કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા હતા. જોકે, થોડા મહિના અગાઉ તેમનુ અવસાન થતાં સોમનાથ ટ્રસ્ટનુ પ્રમુખ પદ ખાલી પડ્યું હતું. જે આગામી ૧૧મી જાન્યુઆરી અને સોમવારના દિવસે ભરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.