- તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડે વિધાનસભામાં કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો
- ગાંધીનગરથી ઓડિટ, ગીર સોમનાથથી એક્ઝામિનરની સંયુક્ત તપાસ શરૂ
- તાજેતરના ઓડિટમાં 1.40 કરોડની ઉચાપત સામે આવી હતી
- શિક્ષણ વિભાગ દ્વારા મૃત વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે
ગીર સોમનાથ: તાલાલા તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની તપાસ માટે ટીમ ઉતારવામાં આવી છે. ગાંધીનગરથી ઓડિટ, ગીર સોમનાથથી એક્ઝામિનરની સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. તાલાલા તાલુકા પંચાયતના સર્વ શિક્ષા અભિયાન સહિત વિવિધ વિભાગમાં ગેરરીતિ આચરીનો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યાનો દાવો ધારાસભ્ય ભગવાનભાઇ બારડે વિધાનસભામાં કર્યો હતો. જેને પગલે તપાસ માટે ગાંધીનગર અને જિલ્લા એક્ઝામિનેટરની ટીમો ઉતારવામાં આવી છે.
આ પણ વાંચો : તાલાળા તાલુકા પંચાયતમાં 40 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, ધારાસભ્ય ભગવાન બારડે કરી ફરિયાદ
કૌભાંડના મૂળિયા શોધવાનું શરૂ
તાલાલા તાલુકા પંચાયતના સર્વ શિક્ષા અભિયાનમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ધારાસભ્યે આક્ષેપ કર્યા બાદ આજે શુક્રવારે ગાંધીનગરથી ઓડિટની ટીમ અને ગીર સોમનાથ જિલ્લા એક્ઝામીનરના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. કૌભાંડના મૂળિયા શોધવાનું શરૂ કરવામાં આવ્યા છે. પરિણામે ભ્રષ્ટાચારી તત્વો છૂમંતર થઇ ગયા છે. તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
તાલાલા તાલુકા પંચાયતના કૌભાંડી તત્વો સામે ગુનો નોંધવા માગ
તાલાલા તાલુકા પંચાયતના કૌભાંડી તત્વો સામે ગુનો નોંધવા સાથે કૌભાંડથી મેળવેલા નાણાંની રિકવરી કરવા તેમજ આત્મહત્યા કરનારા 1 વ્યક્તિના મોતની તપાસ થાય એવી માગ ઉઠી છે.