ગીર સોમનાથઃ ગીર પંથકના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે શેરડીના ખૂબ સારા ભાવો મળી રહ્યા છે. ગુજરાત સિવાયના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન અને ગોળની બનાવટમાં નરમાશ જોવા મળી છે. તેથી ગુજરાતમાં ઉગાડવામાં આવતી શેરડીને વધુ ભાવો મળી રહ્યા છે. જેનાથી શેરડી પકવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
પ્રતિ ટન 3500 જેટલો ભાવઃ ગીર વિસ્તારમાં કેરી બાદ સૌથી મોટો અને મહત્વનો પાક શેરડી ગણવામાં આવે છે. છેલ્લા વર્ષોની સરખામણીએ આ વર્ષે ગીર વિસ્તારના શેરડી પકવતા ખેડૂતોને પ્રતિ ટન 3500 જેટલો ભાવ મળી રહ્યો છે. જો કે સીઝનની શરૂઆત થતા પ્રતિ એક ટન શેરડીના 2300 ની આસપાસ ભાવ બોલાયો હતો, પરંતુ આજે ભાવમાં વધારો થયો છે અને પ્રતિ ટન 3500 રુપિયા ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે શેરડીના ખેડૂતોને શેરડીના પાકના પ્રતિ ટન 1700થી 1800 રુપિયા મળ્યા હતા. જે આ વર્ષે લગભગ બમણાં થઈ ગયા છે. જેનાથી શેરડીના ખેડૂતો ખુશખુશાલ છે. આ વર્ષે મળેલ ભાવ છેલ્લા 4થી 5 વર્ષના સર્વોચ્ચ ભાવ છે.
પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શેરડીના બજાર ભાવોને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, આ જ પ્રકારે શેરડીનો ભાવ અને ગોળના ભાવ જળવાઈ રહેશે તો ગીર પંથકમાં શેરડી પકવતા ખેડૂતો બીજા પાકની ખેતી તરફ વળવાને બદલે શેરડી ઉત્પન્ન કરશે...ગોપાલ રાઠોડ(શેરડી પકવનાર ખેડૂત, દુદાણા, ગીર સોમનાથ)
એક ટન શેરડીમાંથી 130થી 140 કિલો જેટલો ગોળ બને છે તેની સામે શેરડીની ખેતી અને અન્ય ખર્ચ તેમજ ગોળ બનાવવા પાછળની મહેનત-મજૂરી નીકળે તેવું આર્થિક હૂંડિયામણ મળે છે. અત્યારે જે રીતે ગોળ અને શેરડીના ભાવો છે તેમાં જો હજુ થોડો વધારો થાય તો શેરડીના ખેડૂતોની સાથે ગોળનું ઉત્પાદન કરતા સ્થાનિક રાબડા માલિકોને ફાયદો થઈ શકે તેમ છે...રઘુ રાઠોડ(રાબડા માલીક, ગીર સોમનાથ)