સોમનાથ : આવતીકાલ 17 ઓગસ્ટ ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગુરુવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોને દર્શન, પૂજા, ભોજન-પ્રસાદ સહિતની અન્ય સુવિધા મળી રહે તે માટેનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કરવામાં આવ્યું છે.
મંદિર ખુલવાનો સમય : સોમવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો બિલકુલ સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટેનું વિશેષ આયોજન કરાયું છે. રવિવાર અને સોમવાર અગિયારસ બારસ તેમજ હિન્દુ તહેવાર રક્ષાબંધન જન્માષ્ટમી અને અમાસના દિવસે સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. જે સતત રાત્રીના દસ વાગ્યા સુધી પ્રત્યેક શિવભક્ત સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે ખુલ્લું રાખવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દર્શન માટે આવતા શિવ ભક્તો સોમેશ્વર મહાદેવનો પ્રસાદ તેમના પરિવારજનો અથવા નિયત સ્થળે લઈ જઈ શકે તે માટેની વિશેષ કાઉન્ટર સેવા પણ ઉભી કરવામાં આવી રહી છે. વધુમાં શ્રાવણ માસ દરમિયાન આવતા શિવ ભક્તોને નિશુલ્ક ભોજન પ્રસાદ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ શ્રાવણ માસમાં શિવ ભક્તોની સંખ્યાને આધારે ભોજન-પ્રસાદમાં ચોક્કસ વધારો કરવામાં આવ્યો છે. -- વિજયસિંહ ચાવડા (જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ)
વિશેષ પૂજાનું આયોજન : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં શિવભક્તો દેશ અને દુનિયામાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યામાં વિશેષ વધારો થશે. તે માટેનું આગવું આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે. તે મુજબ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલ સર્પયોગ નિવારણ, સુવર્ણ કળશ પૂજા સહિત અનેક પૂજાનું આયોજન પણ કરાયું છે.
પ્રસાદના વિશેષ કાઉન્ટર : શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સવા લાખ બિલીપત્ર સોમેશ્વર મહાદેવને અર્પણ કરીને પવિત્ર શ્રાવણ માસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવાની શરૂઆત થશે. તો પ્રત્યેક શિવ ભક્ત 21 રૂપિયાની રાશિ ન્યોછાવર કરીને ઘર બેઠા કે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજા કરાવીને તેને પ્રસાદના રૂપમાં પ્રાપ્ત પણ કરી શકશે.
ટ્રાફિક વ્યવસ્થા : સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકનું વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે. તે મુજબ શંખ ચક્રથી સોમનાથ મંદિર સુધીનો માર્ગ એક માર્ગીય જાહેર કરાયો છે. પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ મંદિર સુધી વૃદ્ધ દર્શનાર્થીઓને જવા માટે ગોલ્ફ કાર્ટની સાથે વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે. વધુમાં પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી પહોંચવા માટેની નિશુલ્ક બસ વ્યવસ્થાપન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.