ગીર સોમનાથઃ જિલ્લામાં શ્રમિક અને નિરાધાર લોકો માટે 4 સ્થળે શેલ્ટર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે, કોવિડ-19ના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લેવામાં આવેલા લોકડાઉનના નિર્ણયનો રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતાં પરપ્રાંતિય લોકો માટે જિલ્લાના વેરાવળ અને ઉના તાલુકા ખાતે શેલ્ટર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નવી ફિશરિઝ કોલેજ ખાતે -50 શ્રમિકો, સાંસ્કૃતિક હોલ સોમનાથ ખાતે-85 પરપ્રાંતીય પ્રવાસીઓ, આર્ય સમાજ કોમ્યુનીટી હોલ ખાતે-34 ભિક્ષુકો, સુવર્ણબાગ વાડી ઉના ખાતે-11 શ્રમિકો રહે છે. તમામ કેન્દ્ર પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્યલક્ષી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વિવિધ દાતાઓ અને સામાજીક સંસ્થાના સહયોગથી અને વહીવટી તંત્રના સંકલનથી તેઓને આશ્રય સ્થાન અને ભોજન, આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે.
તેમજ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ જિલ્લામાં તમામ જરૂરિયાતમંદ શ્રમિકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ વહીવટી તંત્ર દ્વરા અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી.