- સને.1952થી દેરાસરમાં બે ભુગર્ભ ટાંકાઓમાં વરસાદી પાણીનો કરાઈ છે સંગ્રહ
- સંગ્રહ કરાયેલા વરસાદી પાણી સ્વચ્છ રાખવા ભુર્ગભ ટાંકામાં ચુનાના માટલા મુકવામાં આવ્યાં
- સંગ્રહ કરાયેલા વરસાદી પાણીથી દેરાસરની 500 મૂર્તીઓને દરરોજ કરાય છે અભિષેક
ગીર સોમનાથઃ દેશ, રાજય અને શહેરો પ્રતિવર્ષ ઓછા થઈ રહેલા વરસાદના લીઘે પાણીની તંગી અનુભવી રહ્યા છે, ત્યારે માનવજીવ માટે જળસંચય અનિવાર્ય બની રહ્યું છે. પૃથ્વી પર પાણીનો સંગ્રહ કરી બચાવ થાય તે હેતુસર 22 માર્ચના દિને વિશ્વ પાણી દિવસ (વર્લ્ડ વોટર ડે) તરીકે ઉજવણી થાય છે. ત્યારે સાત દાયકા એટલે કે 70 વર્ષથી જળસંચયની બેનમૂન પદ્ધતિ સોમનાથ ભુમિના પ્રભાસ તીર્થમાં આવેલા અતિ પ્રાચીન જૈન દેરાસરમાં જોવા મળે છે. જેમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણીનો દેરાસરના ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરાય છે. આ ખાસ જળસંચય થકી સંગ્રહ કરાયેલા વરસાદી પાણીને સ્વચ્છ રાખવા ભુગર્ભ ટાંકામાં ચુનાના માટલા રાખવામાં આવે છે. આ વરસાદી પાણીથી પ્રાચીન જૈન દેરાસરની 500 થી વધુ મૂર્તિઓને નિયમીત જળાભિષેક કરવામાં આવે છે. તો દેરાસરમાં બાંધકામના ભુગર્ભમાં બંધાયેલા આ ટાંકાઓ શિલ્પ સ્થાપત્યનો બેનમુન અનુકરણીય પ્રેરક પ્રશંસનીય પ્રયાસ સમાન હોવાનું જાણકારો જણાવે છે.
22 માર્ચના દિવસને વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવાય છે
21 મી સદીમાં વિશ્વ ગ્લોબલ વોર્મિગ સાથે પાણી બચાવી સંગ્રહ કરવાની મુહિમ ચલાવી લોકોને જાગૃત કરવાના વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે 22 માર્ચના દિવસને વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવાય છે. ત્યારે છેલ્લા સાત દાયકા (70 વર્ષ)થી જળસંચય અંગે પ્રેરક બેનમૂન પદ્ધતિ વિષે જાણીએ.
જળસંચયની પદ્ધતિ વર્તમાન સમયમાં પ્રેરણાદાયી
દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિઘ્યમાં સેંકડો વર્ષ જુનુ પવિત્ર અને દિવ્ય જૈન દેરાસર આવેલું છે. પરંતુ સોમનાથ મંદિરના નવ નિર્માણની સાથે જ ઇ.સ.1952 માં આ જૈન દેરાસરનો પણ જીણોઘ્ઘાર થયો હતો. અતિ પ્રાચીન એવા આ જૈન દેરાસરમાં જળસંચયની પદ્ધતિ વર્તમાન સમયમાં પ્રેરણાદાયી સમાન બની છે.
આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે જળ દિવસ, વિશ્વના અનેક દેશોમાં પીવાના પાણીની છે સમસ્યા
પાણી લાંબા સમય સુધુ બગડતું નથી
આ જૈન દેરાસરમાં 20 ફુટ ઉંડા અને 25 ફુટ પહોળા એવા બે ટાંકાઓ ભુગર્ભમાં બંધાયેલા છે, આ ટાંકાની પાઇપ લાઈન દેરાસરની અગાસીઓ સાથે જોડાયેલી છે. ચોમાસા પહેલા દેરાસરની અગાસીને ખાસ રીતે સાફ કરવામાં આવે છે અને એક કે બે શરૂઆતના વરસાદનું પાણી એમને એમ જવા દેવામાં આવે છે પછી ચોમાસાની સીઝનમાં પડતા વરસાદનું પાણી અગાસીમાં ફીટ કારયેલા પાઈપલાઇન વાટે ભુર્ગભ ટાંકાઓમાં સીઘુ જાય છે. વરસાદનું સંચય થયેલું આ પાણી નિર્મળ સ્વચ્છ હોય છે ભુગર્ભ ટાંકામાં તળીયે ચુનાના પાંચ થી છ માટલા હોય છે. જેથી આ પાણી લાંબો સમય કે બારે માસ રહેવા છતાં બગડતુ નથી.
સંગ્રહ કરાયેલા પાણીથી મૂર્તીઓને દરરોજ કરાઈ છે અભિષેક
ભુર્ગભ ટાંકાની ઉપર નાનુ મુખ અને તેની ઉપર સીંચવાનુ ગરેડી દોરડું હોય છે તેમજ પાણી લીધા પછી બહારથી કચરો કે કાંઇ ન પડે તે માટે પતરાનુ ઢાંકણું હોય છે જે બંધ કરતું રહેવાનું હોય છે. આ વરસાદી નિર્મળ પાણી ફીલ્ટરને ટક્કર મારે તેવું હોય છે. જૈન મંદિરમાં 500 જેટલી નાની મોટી મુર્તીઓ આવેલી છે જે તમામ મૂર્તીઓ (ભગવાન)ને આ વરસાદી પાણી સંગ્રહ કરાયેલા ભુર્ગભ ટાંકામાંથી પાણી સીંચી તે પાણીથી જ દરરોજ અભિષેક કરવામાં આવે છે. આ માટે દરરોજ 10 ડોલ પાણી સ્વચ્છ વાસણમાં એકત્ર કરી જળ અભિષેક કરાય છે.
ભુર્ગભ ટાંકામાં વરસાદી પાણીનુ કરાય છે સંગ્રહ
પ્રભાસ તીર્થના આ પ્રાચીન જૈન દેરાસરના ભુર્ગભ ટાંકામાં વરસાદથી જ સંગ્રહાયેલું પાણી દોઢ વર્ષ તો આસાનીથી કાઢે છે અને વરસાદ ઓછો પડે અને પાણીની તંગી વર્તાય તો પણ દેરાસરના ભુર્ગભ ટાંકામાં પાણી ખુંટતુ નથી. મંદિર બાંધકામના ભુગર્ભમાં બંધાયેલા આ ટાંકાઓ શિલ્પ સ્થાપત્યનો બેનમુન અનુકરણીય પ્રેરક પ્રશંસનીય પ્રયાસ સમાન છે.