સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનની યોજના હેઠળ સરકાર દ્વારા લાખો- કરડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ તેનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યો નથી. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના 87 જેટલા મધ્યાહન કેન્દ્રોને રાશનનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો નથી. જેના કારણે તેઓ પૂરતા પ્રમાણમાં શાળાઓમાં ભોજન પહોંચાડી શકતાં નથી. પરીણામે ગીરગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઓછા પ્રમાણમાં ભોજન આપવું પડે છે.
આ પ્રાથમિક શાળામાં 270થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આવી 87 શાળાઓમાં છેલ્લા 17 દિવસથી મધ્યાહન ભોજન માટે મોકલાતા રાશનનો પુરવઠો પહોંચ્યો જ નથી. જેથી મધ્યાહન ભોજનનો પુરવઠો ન આવતા મિડ ડે મિલ ઉપર સવાલો ઉઠ્યા હતા. ત્યારે મામલતદાર આ ઘટનામાં પોતાના હાથ ખંખેરી વહેલી તકે કાર્યવાહી કરવાનો રાગ આલાપી રહ્યાં છે.
આ અંગે વાત કરતાં જરગલી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, "મધ્યાહન ભોજનનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાકટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. તે કોટ્રાક્ટ રિન્યુ ન થવાના કારણે છેલ્લા 15 દિવસથી મધ્યાહન ભોજન સંચાલકો જેમ તેમ કરી ઉછીનું અનાજ લઇ મધ્યાહન ભોજન પૂરું પાડતા હતા. પરંતુ જરગલીના બાળકોને મધ્યાહન ભોજન આપવા માટે જથ્થો ન હોવાના કારણે બાળકોએ ભૂખ્યા રેહવું પડ્યું હતું."