સોમનાથ : આગામી 17 એપ્રિલ સોમવારથી શરૂ થઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની શક્યતાઓ નહીવત જણાઈ રહી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હતાં પરંતુ પીએમ મોદીની હાજરીની શક્યતા હવે અનિશ્ચિત બનતી જોવા મળી રહી છે.
તમિલ સંગમ કાર્યક્રમ :આગામી 17મી એપ્રિલ અને સોમવારથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહમાં હાજર નહીં રહે તેવી આધારભૂત સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પહેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે હાજર રહેવાના હતાં પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આગામી સોમવારે શરૂ થઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અનિશ્ચિત બની છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તેના પૂર્વ નિર્ધારિત સમયે અને તારીખે શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ વડાપ્રધાન મોદીની હાજરીને લઈને અનિશ્ચિતતા જોવા મળે છે.
25 વર્ષથી મોદી કાર્યક્રમને લઈને ઉત્સુક : આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેતે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2005માં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને આયોજન કરાયું હતું. જે છેવટે આગામી 17મી એપ્રિલ 2023ના દિવસે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી ખુદ હાજર રહે તેવી શક્યતાઓ હતી. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉદઘાટન સમારોહમાં નરેન્દ્ર મોદીની હાજરી અનિશ્ચિત બની છે. જોકે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તેના પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ શરૂ થશે.
કોઇ એક સ્થળે હાજર રહી શકે : સોમનાથ બાદ પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ 17મી એપ્રિલથી લઈને 17મી મે સુધી એમ 30 દિવસ અલગ અલગ સ્થળોએ અને સમયે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે. બની શકે કે એક મહિનાના આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં કોઈ એક સ્થળે ચોક્કસપણે હાજર રહેશે. પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને હવે અનિશ્ચિતતાઓ જોવા મળે છે.