- ગીર સોમનાથ પંથકમાં વહેલી સવારે 6 વગ્યાથી સતત વરસી રહ્યો છે વરસાદ
- વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ
- વરસાદના પગલે ખેડૂતો બન્યા ખુશખુશાલ
ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં આજે વ્હેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે બે કલાકમાં વેરાવળમાં દોઢ ઇંચ અને સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો હતો.
શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા
ગઈકાલે જ હવામાન વિભાગએ ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જે સાચી પડી હોય તેમ ગતરાત્રીથી વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલ બંધાવવા લાગ્યો હતો અને રાત્રી દરમિયાન ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો. બાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી મેઘરાજાની પધરામણી શરૂ થઈ હતી અને ધીમી પણ ધીંગી ધારે સતત વરસાદ વરસી રહ્યો હતો. સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા જયારે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: ભરૂચના ભાતીગળ મેઘરાજાના મેળા અને છડી ઉત્સવ પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
ઉત્તર ભારતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ
ઉત્તર ભારતમાં આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ આદિ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવ (somnath mahadev)ને મેઘરાજાએ શ્રીકાર વરસાદ વરસાવી જળાભિષેક કરતા હોય તેવો નજારો સોમનાથ સાનિધ્યે જોવા મળ્યો હતો. આજે સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસર્યાનો અહેસાસ લોકો અનુભવી રહ્યા હતા.
આ પણ વાંચો: સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી