અક્ષય ત્રૃતીયા અખાત્રીજ પર ભગવાન પરશુરામજીની તપોભૂમિ ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં. વહેલી સવારથી યજ્ઞ પુજા આરતી ધ્વજારોહણ સહિતનું આયોજન કરાયું હતું. જેમાં વેરાવળ સોમનાથ સહિતના ભુદેવો સાથે સોમનાથ ટ્રસ્ટ તેમજ યાત્રિકો પણ આ પ્રસંગનો લાભ લઈ ધન્ય બન્યાં હતાં. સોમનાથ તીર્થમાં જ્યાં પૌરાણીક પરશુરામજીની તપોભૂમિ છે. પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવારથી યજ્ઞ મહાપુજા આરતી સહિતના આયોજનો સોમનાથ ટ્રસ્ટ તેમજ સમસ્ત ભુદેવો દ્રારા કરવામાં આવ્યું હતું. જેનો ભક્તોએ લાભ લીધો હતો.
કહેવાય છે કે, પૃથ્વી પર 7 વ્યક્તિ જીવીત છે. જેમાં એક છે પરશુરામ જે ભગવાનના અંશ-અવતાર મનાય છે. જેણે પ્રભાસતીર્થમાં આવી અને પોતાના પ્રાયશ્ચિત માટે અહીં તપસ્યા કરી હતી, જ્યાં આજે તપોભૂમિમાં આદીત્ય અને જલ પ્રભાસ નામના બે કુંડો સાથે ભગવાન પરશુરામજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.
આ ક્ષેત્રને પરશુરામ ભગવાનની તપોભૂમિ કહેવામાં આવે છે. અહીં પરશુરામ ભગવાને તપ કરેલું હતું. પરશુરામ ભગવાન વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંના એક છે. તેમના પિતા જમદગ્નિ ઋષિ પાસેથી એક રાજાએ કામધેનુ ગાય બળજબરી પૂર્વક લઈ લીધી હતી. જેના બદલામાં પરશુરામ ભગવાને લાયક ન હોય તેવા ક્ષત્રિયોથી પૃથ્વીને મુક્ત કરી હતી. તે રીતે તેઓએ 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી હોવાનું માનવામાં આવે છે. આ કર્મના પશ્ચાતાપ માટે તેમણે પ્રભાસ તીર્થમાં તપ કર્યું હતું. અહીં તેમણે જળ પ્રભાસ નામના કુંડની સ્થાપના કરીને તપ કર્યું હતું.