અરબ સાગરમાં સર્જાયેલ 'મહા' વાવાઝોડું સંભવત તા. 6ના રોજ ગીર સોમનાથના દરિયા કિનારે સ્પર્શવાની શક્યતાને ધ્યાને રાખી સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રહેવારની અધ્યક્ષતામાં સરકારના વિવિધ વિભાગો જેમાં સમગ્ર જિલ્લાના અધીક કલેક્ટર, પાલીકા આરોગ્ય, વીજ વિભાગ, ટેલીફોન, પોલીસ, પોર્ટ ફીસરીસ વગેરે વિભાગના અધીકારી બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આગામી તા. 6ના સંભવીત 'મહા' ચક્રવાત આવે અથવા ભારે વરસાદ આવે તો ઘટનાને પહોંચી વળવા તમામને જરૂરી સુચના આપી હતી.
બેઠકમાં જણાવવામાં આવ્યું કે, 'વાયુ' વાવાઝોડાના અનુભવોમાંથી સુધારા કરાયા છે. જેમાં, દરિયા કિનારા નજીકના 52 ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત NDRFની ટીમની મદદ પણ લેવામાં આવશે.