ગીર સોમનાથ: મંગળવારથી ત્રણ મહિના સુધી હિંદુ તહેવારો શરૂ થઈ રહ્યા છે. તેમને ધ્યાને રાખીને લેભાગુ અને ભેળસેળિયા તત્વો પણ ખૂબ જ હરકતમાં આવી ગયા છે. ઉના શહેરમાંથી નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. પિતા-પુત્રની જોડી ડુપ્લીકેટ ઘીના 50 કરતાં કરતાં વધુ ડબ્બાની સાથે ઘી બનાવવાની સામગ્રી સાથે ઉના પોલીસે પકડી પાડીને ખોરાક અને ઔષધ નિયમન વિભાગ તરફ મોકલી દેવામાં આવ્યો છે.
નકલી ઘીનો જથ્થો ઝડપાયો: પોલીસે નકલી દેશી ઘીના 50 ડબા કરતાં વધુના મુદ્દામાલ સાથે ભરત અને દિવ્યેશ શાહ નામના પિતા પુત્રની જોડીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. મંગળવારથી અધિક શ્રાવણ માસ શરૂ થતાં જ આગામી ત્રણ મહિના સુધી તહેવારોની એક પરંપરા શરુ થશે. જેને ધ્યાને રાખીને તહેવારોના સમયમાં લેભાગુ અને ભેળસેળિયા તત્વો સક્રિય બની રહ્યા છે તેવી પૂર્વ માહિતીને આધારે ઉના શહેરના લુહાર ચોક અને આનંદ બજાર ચોકમાંથી નકલી અને બનાવટી ઘીનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
'પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ઉના શહેરના લુહાર ચોક અને આનંદ બજારમાં તપાસ કરતા અહીંથી 50 ડબા નકલી ઘી તેમજ ઘી બનાવવાનો સામાન મળી આવ્યો છે. હાલ તો પોલીસે ભરત અને દિવ્યેશ શાહ પિતા-પુત્રની જોડી સામે જાણવાજોગ દાખલ કરી છે. સમગ્ર મામલામાં ખોરાક અને ઔષધ નિયમન કચેરીનો વિગતે રિપોર્ટ આવ્યા બાદ પિતા પુત્રની જોડી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.' -એન.કે ગોસ્વામી, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર
પોલીસની કાર્યવાહી: ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ ઉના પોલીસ સ્ટેશનના PI N. K. ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉના શહેરમાં દેશી બનાવટી ઘીનો જથ્થો પકડી પાડવા સુચના આપવામા આવી હતી. ત્યારે ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના PSI સી.બી જાડેજા તથા ASI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ રાયજાદા, વિજય રામ, નલિન સોલંકી, કૌશિકસિંહ વાળા, અભેસિંહ ચૌહાણ, રાહુલ છેલના સહિતનો સ્ટાફ ઉના પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા.