જૂનાગઢ : કુદરતના કહેર સામે જિલ્લાના ખેડૂતો લાચાર બની રહ્યા છે. એક તરફ પાછલા દોઢ મહિનાથી વરસાદે રીસામણા લીધા છે. આવી પરિસ્થિતિમાં વાતાવરણમાં અને જમીનમાંથી ભેજનું પ્રમાણ દૂર થતા જીવાત અને રોગોનો ઉપદ્રવ થયો છે. ત્યારે પાણી વગર સુકાતા મોલમાં હવે લીલી ઈયળ અને તડતળિયાની સાથે જમીનમાં આવેલો ફૂગનો રોગ ખેડૂતોના ચોમાસું પાકોને નુકસાન કરી રહ્યો છે. જેની ચિંતામાં જગતનો તાત જોવા મળી રહ્યો છે.

જીવાતોએ મચાવ્યો ઉપદ્રવ : મેઘરાજાએ પાછલા દોઢ મહિનાથી જાણે કે રિસામણા લીધા હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં વરસાદના કોઈ ઉજળા સંજોગો સર્જાઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરતા નથી. આવી પરિસ્થિતિમાં વરસાદી પાણીની અછતની વચ્ચે ચોમાસુ પાકોને ખૂબ નુકસાન થયું છે. અધૂરામાં પૂરું હવે જમીનમાંથી ભેજ દૂર થતા લીલી ઈયળ તડતળિયા અને કેટલાક વિસ્તારમાં જમીનમાં સફેદ ફૂગના રોગોએ દેખા દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
ચોમાસુ પાકોને પાણીની અતિ આવશ્યકતા હોય છે. આવા સમયે વરસાદ નહીં થતાં જમીનનો ભેજ દૂર થયો છે. જે રોગ અને જીવાત ના ઉપદ્રવ માટે એકમાત્ર કારણભૂત માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જે ખેડૂતો પાસે પીયતની વ્યવસ્થા છે તેમણે કૃષિ પાકોને વિના વિલંબે પિયતની વ્યવસ્થા કરવી જોઈએ. આ સિવાય જે રોગ અને જીવાત ન ઉપદ્રવ દેખાય તેને લઈને કૃષિ નિષ્ણાતોની સલાહ બાદ યોગ્ય દવાનો છંટકાવ કરવાની પણ ભલામણ છે... રમેશ રાઠોડ (કૃષિ નિષ્ણાત)
અવકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો ચિંતામાં: વર્તમાન સમયમાં અવકાશી ખેતી પર નિર્ભર જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. પાણીની ખૂબ જરૂરિયાત છે. પરંતુ વરસાદ થતો નથી. આવી પરિસ્થિતિમાં કૃષિ પાકોને અનુકૂળ જમીનનો ભેજ પણ દૂર થયો છે. ત્યારે ખેતર માથી ભેજ દૂર થતાં હવે કીટક અને જીવાતો માટે ઉત્તમ વાતાવરણનું સર્જન થયું છે. જેને કારણે લીલી ઈયળ પાન કોરી ખાનારા તડતળિયા અને જમીનમાં જોવા મળતા પારંપરિક ફુગના રોગોએ પણ દેખા દીધી છે જેને કારણે ખેડૂ ચિંતામાં મુકાયો છે.