ગીર સોમનાથ : પાકિસ્તાનના કરાચીમાં આવેલી જેલ ભારતીય માછીમારો માટે મોતની જેલ બની રહી છે. પાછલા કેટલાક મહિના દરમિયાન 3 કરતાં વધુ ભારતીય માછીમારોના પાકિસ્તાન જેલમાં મોત થયા છે. ત્યારે કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમારનું 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રીના સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યો હતો.
ભારતીય માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત : પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોનું મોત થયું હોવાની જાણકારી તેમના પરિવારજનોને મળતા શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે ભુપતભાઈના મોતના 22 દિવસ બાદ તેઓનો પાર્થિવ મૃતદેહ તેમના વતન દુદાણા ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારના લોકો સહિત સમગ્ર ગ્રામજનોએ સ્વ. ભુપતભાઈને અશ્રુભીની વિદાય આપી હતી.
મૃતકનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો : પાછલા ત્રણ-ચાર મહિનાથી પાકિસ્તાનની જેલમાં બે વર્ષ કરતાં વધુ સમયથી બંધક રહેલા ભારતના 80 જેટલા માછીમારોને મુક્ત કરાવવા ભારત અને પાકિસ્તાનની સરકાર વચ્ચે વાટાઘાટો થઈ રહ્યો છે. ત્યારે આગામી 8 તારીખે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય 80 જેટલા માછીમારોને મુક્ત કરવાની જાહેરાત થઈ છે. જો કોડીનારના ભુપત વાળા જીવિત હોત તો તેઓ પણ આ મુક્ત થયેલા ભારતીય માછીમારો સાથે પોતાના વતન પરત ફર્યા હોત. પરંતુ ઓક્ટોબર મહિનાની 9 તારીખે તેઓનું કરાચીની જેલમાં મોત થતાં તેમના પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે શોક જોવા મળ્યો છે.
22 દિવસ પહેલા થયું હતું મોત : દુદાણા ગામના ભુપત વાળાના મૃતદેહને લેવા માટે વાઘા બોર્ડરે ગયેલા ફિશરીઝ વિભાગના અધિકારી મુકેશ ડાકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અવસાન પામેલા માછીમાર ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. ત્યારબાદ તેઓનું 9 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની કરાચી જેલમાં અવસાન થયું હતું.
શું હતું મોતનું કારણ ? ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ પાકિસ્તાની સરકાર દ્વારા મોતના કારણ અંગે જે દસ્તાવેજો સોંપવામાં આવ્યા છે તે મુજબ ભુપતભાઈનું મોત હૃદયના હુમલાને કારણે થયું હોવાનું જોવા મળે છે. ભુપતભાઈ વાળાના મૃતદેહને અમૃતસરથી અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી રોડ માર્ગે તેમના વતન દુદાણા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપી મૃતકની અંતિમવિધિ પૂર્ણ કરાવી હતી.