ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના વેલણ ગામમાં કોળી સમાજના પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સમસ્ત કોળી સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના સરખેજ આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુએ ખાસ હાજર રહીને વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. સમાજની જન સંખ્યાને લઈને પણ મંચ પરથી ઋષિ ભારતી બાપુએ જાહેર નિવેદન કર્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજને સમતોલ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સૌ જ્ઞાતિજનોની વચ્ચેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે.
ઋષિ ભારતી બાપુનું નિવેદન: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ થોડા જ મહિના બાદ યોજાવા જઈ રહી છે. તે સમયે ફરી એક વખત જ્ઞાતિ અને જાતિનું રાજકારણ ચર્ચાસ્પદ બની રહ્યું છે. કોડીનારના વેલણ ગામમાં વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજર રહેલા ઋષિ ભારતી બાપુએ કોળી સમાજની જનસંખ્યાને લઈને પણ નિવેદન આપ્યું છે. સૌથી વધુ જન સંખ્યા કોળી સમાજની હોવાને કારણે તે રાજ્યના સૌથી મોટા કરદાતા તરીકે પણ હોઈ શકે છે. વધુમાં કોળી જ્ઞાતિનું વર્ચસ્વ અને સનાતન ધર્મ સાથે જોડાયેલી અન્ય જ્ઞાતિઓ કરતા કોળી જ્ઞાતિની સંખ્યા સનાતન ધર્મ સાથે પણ સૌથી વધુ જોડાયેલી છે. આવી પરિસ્થિતિમાં ધર્મની સાથે રાજકીય રીતે પણ કોળી સમાજ મહત્વનો છે.
સૌરાષ્ટ્રની બેઠકો પર કોળી સમાજનું જાતિગત સમીકરણ:
- કોળી સમાજની લોકસભાની 26 સીટો પૈકી ખાસ કરીને સૌરાષ્ટ્રની તમામ સીટો પર કોળી મતદારો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
- વર્તમાન ગુજરાત વિધાનસભામાં 40 કરતા વધુ ધારાસભ્યો કોળી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જે રાજ્યમાં કોળી જ્ઞાતિની સંખ્યા અને મતદારને લઈને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
- જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, લોકસભા સીટ પર કોળી જ્ઞાતિના મતદારો માત્ર મહત્વના જ નથી પરંતુ કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે નિર્ણાયક માનવામાં આવે છે.
- વર્ષ 2019ની સામાન્ય લોકસભાની ચૂંટણીમાં કોળી મતદારો ભાજપ તરફે રહેતા તમામ કોળી બહુલીક મતદારો ધરાવતી લોકસભાની સીટો ભાજપે હસ્તગત કરી છે.
- વર્ષ 2022માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ કોળી જ્ઞાતિના દબદબા વાળી વિધાનસભા સીટો પર ભાજપે ચૂંટણી જીતવામાં સફળતા મેળવી છે.
- વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી મતદારો કોંગ્રેસ તરફી રહેતા સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થઈ ગયું હતું.