- લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
- હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
- આધુનિક સુવિધાઓથી સજ્જ છે અતિથિગૃહ
ગીર-સોમનાથ: હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ શ્રી લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. શ્રી લીલાવતી અતિથિભવનમાં એટેચ ટોઈલેટ બાથરૂમવાળા 73 રૂમો, આરોગ્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે ચા-નાસ્તો, ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પીવા માટે RO પાણી દરેક રૂમોમાં ટીવી કેબલ કનેકશન સાથેની વ્યવસ્થા પણ છે. વિશેષમાં સ્થાનિકો માટે પણ કવોરેન્ટાઈન થયેલા પરિવાર માટે ટીફીન સેવા પણ શરૂ કરવામાં આવી છે.
ગત વર્ષે પણ કરવામાં આવી હતી સેવા
ગત વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનું શ્રી લીલાવતી અતિથિભવન, તેમજ સાંસ્કૃતિક ભવન પણ કોવિડ કેર સેન્ટર માટે આરોગ્ય વિભાગને આપવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે ચા-નાસ્તો, ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિશેષમાં આસપાસના વિસ્તારોમાં જરૂરીયાતમંદોને ભોજન પણ સ્થાનિક ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સાથે મળીને વ્યવસ્થા કરી હતી. બહારના રાજ્યમાંથી આવેલા માછીમારો, સ્થાનિક નાના ધંધાર્થીઓને પણ રાશનકીટ આપી ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગીર સોમનાથમાં સીમર પોર્ટના સહયોગથી 1000 અનાજ કીટ વિતરણ કરાશે
ટ્રસ્ટની જનતાને વિનંતી
ટ્રસ્ટી મંડળની સુચના મુજબ હાલની પરિસ્થિતિએ જે પણ મદદ થાય તે કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી સેવા પુરી પાડશે. હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે, બિનજરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફ૨જીયાત પહેરવું, તેમજ વારંવાર હાથને ધોવા જોઈએ. કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.