- ગીર સોમનાથમાં સરકારી આરામગૃહો, ડાક બંગલામાં નહીં થઈ શકે રાજકીય પ્રવૃત્તિ
- અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચરે આ અંગેના પ્રતિબંધના આદેશ આપ્યાં
- પ્રચાર માટે આવતાં મહાનુભાવોને મતદાન પૂરુ થવાનાં 48 કલાક પહેલાં વિશ્રામગૃહ-અતિથિગૃહ નહીં ફાળવી શકાય
ગીર સોમનાથઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને વેરાવળ, તાલાળા, ઊના તથા સૂત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા કોડિનાર નગરપાલિકાના વોર્ડ નં-7ની પેટા ચૂંટણી યોજાશે. જે ધ્યાનમાં રાખી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રહેણાંકોનો રાજકીય પ્રવૃત્તિમાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
રાજકીય પ્રવૃત્તિમાં ચર્ચા, ટેલિફોન ઉપર વાતચીત અને મુલાકાતીઓ સહિતની બાબતોનો સમાવેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચરે આ અંગે પ્રતિબંધાત્ક આદેશ આપ્યા છે. આદેશ મુજબ, ગીર સોમનાથમાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર સ્થળો હોય તેવા તમામ આરામગૃહો કે સ્થળોની રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ મૂક્યો છે. રાજકીય પ્રવૃત્તિમાં રાજકીય ચર્ચા, ટેલિફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતી સહિતની બાબતનો સમાવેશ થશે.
હુકમનું ઉલ્લંઘન કરનારા અથવા ઉલ્લંઘન માટે મદદ કરનારા શખ્સને સજા થશે
એક જ વ્યકિતને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પૂરૂ થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહી. આ ઉપરાંત જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જેતે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર, સમાજ કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ-અતિથિ ગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે, પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરીક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે.
જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિને સજા થશે
જોકે, રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સને સજા થશે. આ જાહેરનામું 2 માર્ચ સુધી અમલમાં રહેશે.