- વેક્સિનેશનની માત્ર 22 ટકા કામગીરી થઇ
- વેક્સિન લેવા બાબતે લોકોને પ્રેરીત કરવા બેઠકો યોજવામાં આવી
- સમગ્ર જિલ્લામાં 45 વર્ષથી વઘુ ઉંમરના કુલ 2,82,381 લોકો છે
ગીર-સોમનાથઃ રાજય સરકારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ ઉંમરના લોકો વેક્સિનેશન લેવા બાબતે ઉત્સુક ન હોવાથી સમગ્ર જિલ્લામાં ફકત 22 ટકા લોકોનું જ વેક્સિનેશન થઇ શકયુ છે. ત્યારે આ વેક્સિનેશન કાર્યક્રમમાં વધુ લોકો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ ટીડીઓ, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અઘિકારીઓને સૂચના આપી વઘુમાં વઘુ લોકો વેક્સિન લે તે બાબતે કો-ઓર્ડીનેશન કરવાની જવાબદારી સોપી છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં તમામ વિભાગોના કોરોના વોરીયર્સને વેક્સિનેશન કરી 100 ટકા સિઘ્ઘી પ્રાપ્ત કરી છે. જયારે હવે 45 વર્ષથી વઘુ ઉંમરના લોકોને વેક્સિનેશનના ડોઝ આપવાનું ચાલુ છે. જેમાં સમગ્ર જિલ્લામાં 45 વર્ષથી વઘુ ઉંમરના કુલ 2,82,381 લોકો છે. જેમાંથી અત્યાર સુઘીમાં ફકત 60,865 લોકોનુ વેક્સિનેશન થયું છે. આમ, વેક્સિનેશનની માત્ર 22 ટકા કામગીરી થઇ છે. કારણ કે, વેક્સિનેશન બાબતે લોકોમાંથી તંત્રને જોઇએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી. જેથી જિલ્લામાં વેક્સિનેશનના કાર્યક્રમને ગતિ આપવા માટે મામલતદાર, ચીફ ઓફિસર, ટીડીઓ, સરપંચો, નગરસેવકો અને આગેવાનો સાથે વેક્સિન લેવા બાબતે લોકોને પ્રેરીત કરવા બેઠકો યોજવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
જીલ્લામાં 45 થી વઘુ ઉંમરના કેટલા લોકોએ વેકસીન લીઘી
ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકામાં 45થી વઘુ ઉંમરના કુલ 2,82,381 લોકો છે. જેમાંથી અત્યાર સુઘીમાં 60,865 લોકોએ વેક્સિન લીઘી છે. જેમાં તાલુકા પ્રમાણે વાત કરીએ તો, વેરાવળમાં કુલ 71,134 લોકોમાંથી 13,961 (19.63 ટકા)એ વેક્સિનનો ડોઝ લીધો છે. કોડીનારમાં કુલ 55,698 લોકોમાંથી 14,293 (25.66 ટકા)એ વેક્સિનનો ડોઝ લીઘો છે. સુત્રાપાડામાં કુલ 33,467 લોકોમાંથી 7,028 (21.00 ટકા)એ વેક્સિનનો ડોઝ લીઘો છે. ગીરગઢડામાં કુલ 32,545 લોકોમાંથી 6,351 (19.51 ટકા)એ વેક્સિનનો ડોઝ લીઘો છે. તાલાલામાં કુલ 33,948 લોકોમાંથી 9,343 (27.52 ટકા)એ વેક્સિનનો ડોઝ લીઘો છે. ઉનામાં કુલ 55,651 લોકોમાંથી 9,889 (17.77 ટકા)એ વેક્સિનનો ડોઝ લીઘો છે.
આ પણ વાંચોઃ વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી
તાલાલા પંથકનાં તમામ સરપંચોને રસીકરણ ઝુંબેશમાં કરાશે સામેલ
તાલાલા તાલુકામાં રસીકરણ અભિયાનને છેવાડાના લોકો સુધી પહોંચાડવા આગોતરૂ આયોજન કરવા ઈન્ચાર્જ મામલતદારએ સંરપચો સાથે બેઠક કરી હતી. જેમાં ટીડીઓ, ટીએચઓ, ટીપીઓ ઉપરાંત તાલાલા અર્બન ઓફિસર, આયુર્વેદિક મેડિકલ ઓફિસરો તથા સરકાર માન્ય સસ્તા અનાજ વેપારી મંડળના પ્રતિનિધિ સહિતના અધિકારીઓએ હાજર રહયા હતા. તાલાલા પંથકમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારી સહિત ૪૫ વર્ષની વધુ ઉંમરના કુલ 9,343 લોકોને વેક્સિનેશન કરાયુ છે. આગામી દિવસોમાં વેક્સિનેશનના અભિયાનને છેવાડાના લોકો સુધી પહોંચાડવા અંગે ટીએચઓએ જણાવેલ કે, આ મહા અભિયાનમાં તાલાલા પંથકમાં આરોગ્ય વિભાગના 200 થી પણ વધુ કર્મચારીઓ સાથે તમામ ગામના સરપંચો તથા અગ્રીણીઓને જોડવામાં આવશે. ત્યારબાદ તમામ ગામોમાં તબક્કાવાર વેક્સિનેશન કરવા રૂપરેખા તૈયાર કરી છેવાડાના ગામ લોકોને તેમના જ ગામમાં કોરોનાની રસી આપવામાં આવશે. અત્યારે તાલાલા અર્બન વિસ્તારમાં સ્થાનીક અગ્રણીઓ તથા નગરપાલિકાના સદ્યોગ સાથે વિવિધ વિસ્તારોમાં આયોજન કરી મોટી સંખ્યામાં કોવિડ રસી આપવામાં આવી રહી છે.