સોમનાથ : પાછલા 13 દિવસથી સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર બીજી વખત ઉતર્યા છે. સોમનાથ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળવાનો માર્ગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. તેને લઈને વેપારીઓ ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાની માંગ સાથે દર્શનાર્થીઓ માટે ફરી દરવાજો ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરવાજો આજ દિન સુધી નહીં ખોલવામાં આવતા ફરી એક વખત 120 વેપારીઓ ચોક્કસ મદદની હડતાલ પર ઉતરી ગયા છે.
વેપારીઓ માટે બેરોજગારીનું કારણ : સોમનાથ મંદિર નજીક આવેલા અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓ આજે ફરી અચોક્કસ મુદતના ધારણા પર ઉતરી ગયા છે સોમનાથ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળતાં શિવભક્તો માટેનો માર્ગ સોમનાથ શોપિંગ સેન્ટર સામે નીકળે છે. અહીંથી તમામ શિવ ભક્તો મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળતા હતા જેને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના નાના મોટા વેપારીઓને રોજગારીનું માધ્યમ પણ આ દરવાજો બની રહ્યો હતો, જે બંધ કરી દેવાતાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે.
રજૂઆતો બાદ પણ દરવાજો નથી ખોલાયો : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને બહાર નીકળવાનો માર્ગ બંધ કરીને અન્ય જગ્યા પર શરૂ કરતાં શોપિંગ સેન્ટરના વેપારીઓ બેરોજગાર બન્યા છે. તેને લઈને થોડા સમયથી રજૂઆતો કરાઇ હતી. સોમનાથ ટ્રસ્ટને લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે પરંતુ આજ દિન સુધી દરવાજો નહીં ખોલવામાં આવતાં વેપારીઓ 13 દિવસમાં બીજી વખત ધરણા પર ઉતર્યાં છે.
શ્રાવણ માસના તહેવારોમાં ઘરાકી ન મળતાં અસંતોષ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન દેશદુનિયામાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી અને શિવભક્તો સોમનાથ આવતા હોય છે. જેને કારણે વેપારીને સારી આવક મળવાના સંજોગો હોય છે. આવા સમયે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ શોપિંગ સેન્ટર તરફનો રસ્તો બંધ હોવાની પ્રવાસીઓની નજરમાં આ જગ્યા પડતી જ નથી જેથી ધંધારોજગાર ઠપ થયાં છે. જેને લઈને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ તાકીદે વેપારીઓના હિતમાં અને ધંધા રોજગારને લઈને કોઈ હકારાત્મક નિર્ણય કરે તેવી માંગ છે.
પાછલા 13 દિવસથી દરવાજો ખોલવાની લઈને જ સમસ્યા ઊભી થઈ છે તેમાં હજુ સુધી કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી. દરવાજો બંધ હોવાને કારણે એક પણ પ્રવાસી કે દર્શનાર્થે શોપિંગ સેન્ટરમાં આવતો નથી. જેને કારણે પાછલા ધંધા અને રોજગાર બિલકુલ ઠપ્પ થઈ ગયા છે. જેના વિરોધમાં અચોક્કસ મુદતના ધરણા પર બેસી રહ્યા છીએ. સોમનાથ ટ્રસ્ટની માલિકીનું સોમનાથ શોપિંગ સેન્ટર 35 મહિનાના ભાડાપટ્ટે દુકાનદારોને દુકાનો ભાડે આપેલી છે. તેમની પાસેથી ભાડું પણ સોમનાથ ટ્રસ્ટ મેળવી રહ્યું છે. વધુમાં દર ત્રણ વર્ષે ભાડામાં વધારો પણ થાય છે. આ તમામ શરતોને ધ્યાને રાખીને વેપારીઓ દુકાનનું ભાડું ચૂકવે છે. તેમ છતાં દરવાજો બંધ કરી દેતાં અચોક્કસ મુદતના ધરણા પર બેઠાં છીએ...ભાવિન ચાવડા(વેપારી પ્રતિનિધિ, સોમનાથ શોપિંગ સેન્ટર)
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે વડાપ્રધાન મોદી : સોમનાથ મંદિર ટ્રસ્ટ સમગ્ર મામલાને લઈને કોઈ અધિકારિક પ્રતિભાવ કે અચોક્કસ હડતાલને લઈને નિવેદન આપવામાં આવ્યું નથી. સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી તરીકે ગૃહપ્રધાન અમિત શાહની સાથે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સેવાઓ આપી રહ્યા છે. ત્યારે વેપારીઓના હિતમાં કોઈ અંતિમ નિર્ણય ટ્રસ્ટી કક્ષાએથી થઈ શકે છે જેને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલામાં કોઈ પણ અધિકારિક નિવેદન હજુ સુધી આપવામાં આવ્યું નથી.