ગીર સોમનાથ : સોમનાથ મૂક બધિર સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથના સદભાવના મેદાન ખાતે કરાયું હતું. આ અનોખી ટુર્નામેન્ટમાં સોમનાથ સહિતની કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ રાજકોટ અને જામનગરની ટીમ વચ્ચે યોજાઇ હતી જેમાં રાજકોટની ટીમ વિજેતા બની હતી.
રાજકોટની ટીમ વિજેતા : સોમનાથ મૂક બધિર ક્રિકેટ સંઘ દ્વારા સદભાવના મેદાન ખાતે બીજી સૌરાષ્ટ્ર કચ્છ ઓપન ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટીમના યજમાનપદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમનાથની સાથે રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અને જામનગરની ટીમોએ ભાગ લીધો હતો. સોમનાથ ટ્ર્સ્ટના સદભાવના મેદાનમાંં યોજાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજકોટની ટીમનો જામનગરની ટીમ સામે વિજય થયો હતો. વિજેતા ટીમોના ખેલાડીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરાયાં હતાં.
આ પણ વાંચો |
સોમનાથ ટ્રસ્ટે કરી વ્યવસ્થા : 2જી સૌરાષ્ટ્ર કચ્છ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અને ખેલાડીઓના રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું તે સોમનાથ ટ્રસ્ટની માલિકીનું હોવાથી કોઈ પણ પ્રકારના શુલ્ક વગર બે દિવસ માટે સદભાવના મેદાન મૂક બધિર સંઘ સોમનાથને આપવામાં આવ્યું હતું.
રહેવા જમવાની સગવડ પણ અપાઇ : સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા મૂક બધિક ખેલાડીઓની સગવડનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. તમામ પાંચ ટીમોના 80 જેટલા ખેલાડીઓ અને અન્ય સહાયકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રહેવાની સગવડ પણ પૂરી પાડવામાં આવી હતી. સોમનાથનું આતિથ્ય માણીને ક્રિકેટ મેચ રમવા માટે આવેલા પાંચેય ટીમોના તમામ ખેલાડીઓ ગદગદિત થયેલાં જોવા મળતાં હતાં.
ખેલાડીઓએ વ્યક્ત કર્યો પ્રતિભાવ : મૂક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને વિજેતા બનેલા રાજકોટના ખેલાડી અશોકે તેનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તે મૂક બધિર ખેલાડીઓ માટે એક પ્રોત્સાહન બની રહેશે. વધુમાં ખેલાડીઓને જે રમવા માટે મેદાન પૂરું પાડવામાં આવેલી છે તેની સાથે રહેવા જમવાની ચા નાસ્તો અને અન્ય મનોરંજનની સેવાઓ સોમનાથ ખાતે મળી છે તે અત્યાર સુધીની સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ છે.
અન્ય સ્થળોએ પણ આયોજન થઇ શકે : આ ટુર્નામેન્ટ આયોજકે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનો દિવ્યાંગો પ્રત્યેનો જે પ્રેમ છે તે આજે સોમનાથ ખાતે તેઓને અનુભૂતિ રૂપે મળ્યો છે તે બદલ વડાપ્રધાન મોદીનો પણ આભાર માનીએ છીએ. આજ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યના અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં થાય તો મૂક બધિર ખેલાડીઓને જાહેર જીવનમાં અને ખાસ કરીને રમત ગમતના ક્ષેત્રમાં તેમની પ્રતિભા દર્શાવવા માટેનું એક અલગ માધ્યમ મળશે. જેના કારણે મૂક બધિર ખેલાડીઓના ખેલ કૌશલ્યને વધુ સારી રીતે લોકો સમક્ષ રાખી શકાય. તેઓ પણ રમત ગમતના ક્ષેત્રમાં પાછળ નથી અને સૌથી સારો દેખાવ કરી શકે છે તે પ્રકાર નુ પ્રેરણાદાયક પ્રોત્સાહન પણ આવા આયોજન થકી મળતું હોય છે.