ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા દરિયા કિનારા પરથી ગ્રીન સી ટર્ટલ એટલે કે દરિયાઈ લીલો કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેને લઇને પ્રકૃતિ પ્રેમીઓએ જામવાળા વન વિભાગને સંપર્ક કરતા મૃત કાચબાના પોસ્ટમોર્ટમને લઈને વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વમાં જોવા મળતા સાત પ્રકારના દરિયાઈ કાચબા પૈકી લીલો દરિયાઈ કાચબો બીજા નંબરનો સૌથી મોટો કાચબો છે અને તે લુપ્તપ્રાય થવાને આરે પહોંચ્યો છે જેથી તેને શેડ્યુલ 01 નીચે સમાવેશ કરીને તેને સંકટગ્રસ્ત પણ જાહેર કરાયો છે.
લીલો દરિયાઈ કાચબો મૃત હાલતમાં મળ્યો : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાના દરિયા કિનારા પરથી લીલો દરિયાઈ કાચબો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે કાચબાના મૃતદેહનો કબજો કરીને તેને પોસ્ટમોર્ટમ માટે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો કાચબો મૃત હાલતમાં પડ્યો છે તેની જાણ પ્રકૃતિ પ્રેમીને થતા વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને વન વિભાગે ઘટના સ્થળ પરથી કાચબાના મૃતદેહનો કબજો કરીને તેના મોતનું સાચું કારણ જાણવા તબીબોના સહારે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ગ્રીન દરિયાઈ કાચબાને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પ્રિય : સમગ્ર વિશ્વમાં સાત પ્રકારના દરિયાઈ કાચબા અસ્તિત્વ ધરાવે છે જે પૈકીનો બીજા નંબરનો કદ અને વજનમાં સૌથી મોટો લીલા દરિયાઈ કાચબા ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ખૂબ જ અનુકૂળ આવે છે. પોરબંદરના માધવપુરથી લઇ અને કોડીનાર સુધીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આ કાચબાની અનેક વસાહતો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આ વિસ્તારના દરિયાકાંઠાનું તાપમાન લીલા દરિયાઈ કાચબાની પ્રજાતિને સૌથી વધારે અનુકૂળ આવે છે જેથી તે અહીં ઈંડા મુકવા માટે આવતા હોય છે.
કાચબાનું પોસ્ટ મોર્ટમ થશે : આ કાચબાનું મોત કયા કારણોસર થયું છે તેનું ચોક્કસ તારણ સામે આવ્યું નથી વન વિભાગ તેનું પોસ્ટમોર્ટમ કરી રહ્યું છે. આગામી દિવસોમાં કાચબાના મોતનું કારણ સામે આવી શકે છે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓને ખાસ કરીને આ વિસ્તારના કાચબા સંરક્ષણ સાથે સંકળાયેલા પ્રકૃતિ પ્રેમીઓ આ કાચબાની ઉંમર 80 વર્ષની આસપાસ હોવાનું પણ માની રહ્યા છે. તેનું મોત વૃદ્ધાવસ્થા અથવા તો તેનું આયુષ્ય પૂરું થયું છે તેને માની રહ્યું છે તેમ છતાં વન વિભાગ કાચબાના પોસ્ટમોર્ટમને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
ગ્રીન સી ટર્ટલની વિશેષતા : મૂળ દ્વારકા બંદર પરથી મૃત હાલતમાં મળી આવેલો લીલો દરિયાઈ કાચબો દરિયાઈ કાચબાની વસાહતોમાં સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે જાહેર કરાયો છે. આ કાચબાનું વજન 150 થી લઈને 200 કિલો સુધી જોવા મળે છે અને તે ચારથી પાંચ ફૂટ લાંબા પણ હોઈ શકે છે, કાચબા સાથે જોડાયેલી સૌથી દુઃખદ બાબત એ છે કે એક હજાર કાચબાના બચ્ચાના જન્મ માંથી એક માત્ર કાચબો યુવા અવસ્થાએ પહોંચે છે. જેને કારણે પણ તેને લુપ્તપાઈ પ્રજાતિ ગણીને તેને શેડ્યુલ 1માં સમાવેશ કરવામાં આવ્યો છે.
એક ખંડથી બીજા ખંડ સુધી પહોંચી શકતો કાચબો : આ પ્રકારના દરિયાઈ લીલા કાચબાઓ સમગ્ર વિશ્વમાં મોટે ભાગે જોવા મળે છે અને તે હજારો માઈલનું અંતર દરિયામાં કાપીને એક ખંડમાંથી બીજા ખંડમાં પણ પહોંચે છે. પરંતુ સૌરાષ્ટ્રનો અને ખાસ કરીને માધવપુરથી લઈને કોડીનાર સુધીનો દરિયાકાંઠો લીલા દરિયાઈ કાચબાના માળા બનાવવા તેમજ તેના ઈંડામાંથી બચ્ચાનો ઉછેર થાય તે માટે સમગ્ર વિશ્વમાં સૌથી અનુકૂળ જોવા મળે છે. જેથી દરિયાઈ લીલા કાચબા મોટે ભાગે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને માધવપુરથી મૂળ દ્વારકા બંદરમાં પોતાના માળાઓ બનાવીને પોતાની સંતતિ આગળ વધે તે માટે સતત આવતા જોવા મળે છે.