ગીર સોમનાથ : કિસાન સૂર્યોદય યોજના ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે હવે મુસીબતની યોજના બની રહી છે. ચોમાસાના પ્રારંભના દિવસોમાં મોસમનો સંપૂર્ણ વરસાદ વરસી ચૂક્યો છે. આ સમયે કૃષિ પાકો અતિવૃષ્ટિથી મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે પાછલા એક મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં હજુ સુધી વરસાદની નિશાનીઓ જોવા મળતી નથી.
અપૂરતો વીજ પૂરવઠો : અગાઉ ચોમાસાના પ્રારંભના દિવસોમાં કૃષિ પાકને અતિવૃષ્ટિથી બચાવવા માટે ખેડૂત મુજવણમાં મુકાયેલા જોવા મળતો હતો. તેનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ વરસાદના એક મહિના બાદ આજે ખેડૂતોની સામે આવી રહી છે. એક સમયે વરસાદ અટકી જવાની વિનંતી કરતો ખેડૂત આજે કુદરત પાસે વરસાદની માંગ કરી રહ્યો છે. તેમાં રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર વીજળી નહીં આપતા ખેડૂતોને દાઝ્યા પર ડામ લાગ્યો છે. પૂરતો વીજ સપ્લાય ન મળતા પાણી હોવા છતાં પણ ખેડૂતો કૃષિ પાકોને પાણી આપી શકતા નથી.
સોમનાથ જિલ્લામાં મુખ્યત્વે મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર થાય છે. જેમાં કૃષિ પાકોને અનુકૂળતા અને જરૂરિયાત મુજબ પિયતનું પાણી આપવું પડે છે. પરંતુ વરસાદ પાછો ખેંચાયો છે, ત્યારે વાવેતર બાદ પાણીના સંગ્રહ પર નિર્ભર રહેવું પડે છે. જોકે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પાણી છે. પરંતુ આ પાણી પાસ સુધી પહોંચાડવા માટે પૂરતો વીજ સપ્લાય મળતો નથી.-- સુભાષભાઈ (ખેડૂત)
કિસાન સૂર્યોદય યોજના : એકમાત્ર વીજળી પર આધારિત જિલ્લાનો ખેડૂત કિસાન સૂર્યોદય યોજનાથી પણ નાસીપાસ થયો છે. જરુરી અને સતત એક નક્કી સમય સુધી વીજળી નહીં મળવાને કારણે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેતરમાં પાણી આપી શકતા નથી. વર્ષ 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનો જુનાગઢથી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં જુનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાને આવરી લેવામાં આવ્યા હતા. આ યોજના આજે બે વર્ષ પછી ખેડૂતો માટે મુશ્કેલીની યોજના બની રહી છે. ત્યારે સમયસર અને જરુરી વીજ પૂરવઠો આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.