વેરાવળ : રાજકોટ રીજનલ મેનેજર અને વેરાવળ શાખાના બ્રાન્ચ મેનેજરની તપાસમાં સમગ્ર મામલો ખૂલતાં કુલ 2 કરોડના 2 કિલો અને 74 ગ્રામ નકલી સોનું ધાબડીને બેંકને નુકસાન પહોંચાડવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં વેરાવળ પોલીસે એક મહિલા અને બે પુરુષ કર્મચારીઓની અટકાયત કરીને બેંકમાં આચરવામાં આવતા સમગ્ર કૌભાંડનો ખુલાસો કર્યો છે.
બેંકને ચૂનો ચોપડવાનું કામ : વેરાવળમાં આવેલી એક્સિસ બેન્કના કર્મચારીઓએ ખૂબ જ સિફતતાપૂર્વક ગેરરીતિ આચરીને જ્યાં નોકરી કરતા હતાં તે બેંકને જ ચૂનો ચોપડવાનું કામ કર્યું હતું. ગોલ્ડ લોનના બદલામાં બેંકમાં જમા થયેલા સોના પર તેમના દ્વારા ઊભા કરવામાં આવેલા મળતીયા ગ્રાહકોને સાચા સોનાના બદલામાં ગોલ્ડ લોન આપીને પહેલેથી જ બેંકમાં ગોલ્ડ લોન થકી જમા થયેલા સોનાના દાગીનાની જગ્યા પર 0 કિલો 74 ગ્રામ જેટલાં નકલી સોનાના દાગીના કે જેની બજાર કિંમત બે કરોડની આસપાસ થવા જાય છે તે રાખીને બેંકને ચૂનો ચોપડવાનું કામ કર્યું હતું. સમગ્ર મામલો 29 તારીખના દિવસે વેરાવળ સ્થાનિક બેંક મેનેજર રામભાઈ સોલંકીના ધ્યાને આવતા તેમણે રાજકોટ રીજનલ મેનેજર ગૌતમ આશરાને સમગ્ર મામલાની જાણ કરતા પ્રકાશમાં આવ્યો હતો.
વેરાવળ બેંકના મેનેજર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં અંદાજિત બે કરોડ જેટલી ગેરરીતિ થઈ હોવાનુ સામે આવતા પોલીસે એક મહિલા અને બે પુરુષ કર્મચારીની અટકાયત કરી છે. બેંક દ્વારા કુલ 426 ખાતેદારોને સોનાના બદલામાં લોન આપી છે. જે પૈકી 49 લોનના કિસ્સામાં ગેરરીતી સામે આવી છે. હજુ ઘણા ગોલ્ડ લોનના કેસ તપાસવાના બાકી છે. તેમાં પણ કોઈ શંકાસ્પદ લોન નીકળે તો સમગ્ર મામલો ખૂબ મોટી આર્થિક ગેરરીતિ તરફ દોરી જાય છે. જેથી પોલીસ સમગ્ર મામલામાં બેંકના કર્મચારી સાથે અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ છે તેને લઈને તપાસ કરી રહી છે. પરંતુ પ્રાથમિક તબક્કે આજે બેકના ત્રણ કર્મચારીઓની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...મનોહરસિંહ જાડેજા (પોલીસ અધિક્ષક )
પોલીસે કરી ત્રણની અટકાયત : રીજનલ મેનેજર ગૌતમ આશરા અને વેરાવળના બ્રાન્ચ મેનેજર રામભાઈ સોલંકીની ફરિયાદને આધારે વેરાવળ પોલીસે સમગ્ર કૌભાંડમાં બેંકના એક મહિલા અને બે પુરુષ કર્મચારીને અટકાયત કરી છે. ગોલ્ડ લોનના બદલામાં કુલ 426 જેટલા પાઉચ કે જેમાં ગોલ્ડ લોનના બદલામાં સોનું રાખવામાં આવ્યું હતું તે પૈકીના 49 પાઉચમાં કોઈ ગરબડ થઈ હોવાની વિગતો સામે આવી હતી. રિજનલ મેનેજર ગૌતમ આશરા બેંકનું મોનિટરિંગ કરવા માટે આવ્યા હતાં. આ સમયે ગોલ્ડના પાઉચમાં વજન ઓછું અને કેટલાક પાઉચમાં દાગીનાની હેરાફેરી થઈ હોવાની શંકા ધ્યાને આવતા તેમણે તપાસ શરૂ કરી હતી. જેમાં 49 પાઉચમાં નકલી દાગીના હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગઈ કાલે વેરાવળ શહેર પોલીસ મથકમાં સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે ત્રણ કર્મચારીની અટકાયત કરવામાં આવી છે.
અઠવાડિયું તપાસ ચાલશેે : ગોલ્ડ લોનના બદલામાં બેંકના જ કર્મચારીઓ દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે. તેની કિંમત બે કરોડ કરતાં પણ વધુની થવા જાય છે. જે 49 પાઉચમાં નકલી સોનું રાખીને ગેરરીતિ આચરવામાં આવી હતી. તે પૈકીના 10 પાઉચ હજી શંકાસ્પદ હોવાને કારણે તેની તપાસ માટે વધુ કેટલીક ટીમો બેંક દ્વારા બનાવવામાં આવી છે. તપાસ પૂર્ણ થઈ હજુ પણ ગેરરીતિ અને નકલી દાગીના મુકવાના કિસ્સામાં કોઈ મોટો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. વેરાવળ પોલીસે ગોલ્ડ સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા અને અન્ય બે કર્મચારી વિપુલ રાઠોડ અને પિંકી ખેમચંદાણીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.