ગીર સોમનાથ : નોકરી વાચ્છુ બેરોજગાર યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને છેતરતી ત્રણ ઈસમોની ટોળકીનો સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે. તાલાલાના ફરિયાદીની ફરિયાદને આધારે સોમનાથ પોલીસે પ્રાચીના સુભાષ ચુડાસમા જુનાગઢના પૂર્વ સૈનિક હરસુખ ચૌહાણ અને મહેસાણાના નીલકંઠ પટેલની સમગ્ર મામલામાં અટકાયત કરી છે.
પરીક્ષાર્થીઓને લલચાવ્યાં : સુભાષ પ્રાચી ખાતે રક્ષા અને પોલીસ ભરતી ટ્રેનીંગની સંસ્થા ચલાવીને આ કારસ્તાનમાં બેરોજગારી યુવાનો અને પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓને લલચાવીને તેની પાસેથી માતબર રકમ ઉઘરાવતો હતો. આ ત્રણેય લોકો બેરોજગાર યુવાનોને સીસામાં ઉતારીને પાંચ લાખ રૂપિયાનો તોડ કરતાં હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સોમનાથ પોલીસે હાલ ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે. અત્યાર સુધીમાં જે વ્યક્તિને ભોગ બનાવ્યા છે તેમાં 99 લાખ રૂપિયાની આસપાસની રકમ થવા જાય છે.
નોકરી અપાવવા તોડ પણ કર્યો : ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજિત ત્રીસ જેટલા લોકોને વિવિધ વિભાગો અને સરકારમાં નોકરી અપાવવા માટે તોડ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જુનાગઢના હરસુખ ચૌહાણ 25 ઉમેદવારોને આ રીતે ફસાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તાલાલાના ફરિયાદી પકડાયેલા આરોપી પાસેથી મેળવેલું નકલી નિમણૂક પત્ર લઈને જુનાગઢ કલેક્ટર ઓફિસે પહોંચ્યાં ત્યારે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. પ્રાચીનો સુભાષ ચુડાસમા અને જુનાગઢનો હરસુખ ચૌહાણ બેરોજગારોને સીસામાં ઉતારીને કડીના નીલકંઠ પટેલ પાસેથી આ રીતે નકલી નિમણૂક પત્ર મેળવતા હતાં.
વધુ ખુલાસો થઈ શકે છે : અધિકારીઓની સહી સાથેનો નકલી નિમણૂક અને પત્ર પોલીસને પ્રાપ્ત થયાં છે. ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાર્ક એસીબીઆઈ બેક આર્મીમાં નાયક પર લોકોને નોકરી અપાવવાની લાલચ પણ આપી રહ્યા હતા. પોલીસ પકડમાં રહેલા ત્રણેય આરોપીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને કેટલાક જિલ્લાના કલેકટરોની નકલી સહી સાથેના નિમણૂક પત્રો પણ પકડી પાડ્યા છે. હાલ સમગ્ર મામલો ત્રણ જિલ્લાને સાંકળી રહ્યો છે, પરંતુ પોલીસ તપાસમાં અન્ય કોઈ જિલ્લાના લોકો શામેલ છે કે કેમ તેને લઈને પણ કોઈ ખુલાસો થઈ શકે છે.
ચીલઝડપમાં મિત્રની જ સંડોવણીનો કેસ : તો અન્ય એક કેસમાં થોડા દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા આ વિસ્તારમાંથી અજીત ચાવડા નામના વ્યક્તિનો ફોન કોઈ અજાણ્યા ઈસમો ચીલઝડપ કરી ગયા છે તેવી ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલામાં ખૂબ જ રહસ્ય સાથે ઘટસ્ફોટ થયો છે. જે સમયે મોબાઇલની ચીલઝડપ બની હતી તે સમયે ફરિયાદી અજીત ચાવડા સાથે રહેલો તેના મિત્ર સંજય વાળાએ આ મોબાઇલની ચીલઝડપ કરાવી હતી. સંજય વાળાએ વેરાવળના હુસેન અને સાહિલને મોબાઇલની ચીલ ઝડપ કરવા માટે પૈસા આપીને રોક્યા હતાં. વધુ ત્રણ આરોપી જેમાં મુખ્ય આરોપી સંજયવાળા સહિત અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય તેને પકડવા માટે સોમનાથ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મુખ્ય આરોપી પૂર્વ સરપંચ : મોબાઈલ ચિલ ઝડપના ગુનામાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા સંજય વાળા કોડીનાર તાલુકાના સરખડી ગામનો પૂર્વ સરપંચ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે ફરિયાદીની સાથે સતત હાજર રહેલો સંજય વાળા મુખ્ય આરોપી હશે તેવી જરા પણ શંકા ફરિયાદી અજીત ચાવડાને થઈ ન હતી. તેણે માણસો રોકીને મોબાઇલની ચીલઝડપ કરાવી હતી. હાલ પોલીસે બે આરોપીને પકડી પાડ્યા છે પરંતુ સમગ્ર મામલામાં ચીલઝડપ થયેલા મોબાઇલને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.