ગીર સોમનાથ : ગીર સોમનાથ પોલીસે આંતરરાજ્ય નકલી અને પુરાવા વગર બનાવવામાં આવતા આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યોે છે. થોડા દિવસ પૂર્વે ઉના શહેરમાં બસ સ્ટેશન નજીક દેવ દરબાર નામની દુકાનમાં નકલી અને પુરાવા વગર આધારકાર્ડ બનાવવામાં આવી રહ્યા છે તે અંગેની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી. તે અનુસંધાને પોલીસે ઉનાના અસલમ શેખ સબીર સુમરા અને જાવેદ નામના ત્રણ આરોપીને અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
40 નકલી આધારકાર્ડ બનાવ્યાં : વર્ષ 2021થી લઈને આજ દિન સુધી ત્રણેય આરોપીઓ દ્વારા અંદાજિત 1200 જેટલા આધાર કાર્ડ બનાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જે પૈકીના 40 જેટલા આધાર કાર્ડ ખોટા અને નકલી પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે તેવી વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ છે. પોલીસ તપાસમાં સમગ્ર મામલો ઉત્તર પ્રદેશ સાથે જોડાતા નકલી આધાર કાર્ડ બનાવવા માટે ઉત્તર પ્રદેશના કેટલાક લોકો પણ શામેલ હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો : ઉનાના ત્રણેય આરોપીઓ નકલી અને ખોટા આધાર કાર્ડ બનાવવા માટે નગરપાલિકાના દાખલાઓ અને ચૂંટણી કાર્ડના ફોટા બદલીને જે તે વ્યક્તિને નકલી આધાર કાર્ડ કે પુરાવા વગર આધાર કાર્ડ બનાવી આપવાનું કારસ્તાન કરી રહ્યા હતાં. પોલીસ તપાસમાં ઉનાના ત્રણ અને ઉત્તર પ્રદેશ રાજ્યના પાંચ જેટલા આરોપીઓ સમગ્ર કૌભાંડમાં શામેલ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોમનાથ પોલીસ હાલ 1200 જેટલા નકલી આધાર કાર્ડ બનાવ્યા છે. જે પૈકીના જે લોકોએ નકલી પુરાવા ઊભા કરીને આધાર કાર્ડ બનાવવાની કાર્યવાહી કરી છે. તેમાં તમામ શંકાસ્પદ લોકો પણ પોલીસની રડારમાં છે. આગામી દિવસોમાં તમામ લોકોની પોલીસ તલસ્પર્શી તપાસ કરીને સમગ્ર મામલામાં કોઈ નવો ખુલાસો કરે તેવી પણ શક્યતા છે.
અસલમ કોમ્પ્યુટરમાં સ્નાતક : મુખ્ય આરોપી કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવે છે. અસલમ શેખે કોમ્પ્યુટરમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. જેને લઈને પણ તે આ નકલીના કારસ્તાનમાં માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેમણે પોતાના કમ્પ્યુટરમાંથી તમામ ડેટા પણ દૂર કર્યો છે. જેને રિકવર કરવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પાછલા બે વર્ષ દરમિયાન પકડાયેલા ત્રણેય આરોપીઓએ અંદાજિત 16થી 17 લાખ રૂપિયાની લેતીદેતી પણ કરી હોવાની વિગતો પોલીસની સામે આવી છે.
મતદાર શાખામાં નોકરી કરતો હતો : પકડાયેલો મુખ્ય આરોપી અસલમ શેખ અગાઉ ધોરાજી ખાતે મામલતદાર કચેરીની મતદાર શાખામાં નોકરી કરતો હતો. ત્યાર બાદ તે ઉના ખાતે આવેલ એસબીઆઈ બેન્કમાં પાંચ વર્ષ સુધી કરાર આધારિત આધાર કાર્ડ કાઢવાની કામગીરીમાં પણ શામેલ જોવા મળતો હતો. ત્યારબાદ તેનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેણે નકલી આધાર કાર્ડ બનાવવાની ઓફિસ શરૂ કરી હતી.
ઉચ્ચ તપાસ એજન્સીઓ જોડાઇ : પકડાયેલા આરોપીઓ આધારકાર્ડ માટે 1200 થી લઈને 25,000 સુધીની રકમ પણ જે તે વ્યક્તિ પાસેથી મેળવતા હતાં. જે પૈકી ચારથી પાંચ હજાર રૂપિયા તેઓ ઉત્તર પ્રદેશના કેટલાક લોકોને મોકલતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલો ફોરેન્સિક સાયન્સ સાથે પણ જોડાયેલો હોવાને કારણે સાયબર સેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડીને આઇપીસી કલમ 467 468 410 અને 420 મુજબ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.