- કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની જિલ્લા પંચાયતમાં ચૂંટણી
- પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
- ભાજપના બન્ને નેતાના કબજામાં પ્રમુખ-ઉપપ્રમુખનું પદ
દીવઃ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદે ભાજપના ચૂંટાયેલા સભ્યોની વરણી કરવામાં આવી છે. આ બન્ને પદ પર ભાજપે કબજો જમાવી લીધો છે. હાલમાં જ દીવ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠક પૈકી 5 ભાજપ અને 3 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે મંગળવારે પંચાયત પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં દીવના વણાકબારા બેઠકના ભાજપના અમૃતાબેન અમરતલાલને જિલ્લા પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટી કઢાયા છે. તો ઉપ-પ્રમુખ તરીકે શશિકાન્ત માવજીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે.
દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પ્રમુખ તરીકેની બેઠક સ્ત્રી અનામત હતી. જેથી હવે દીવ જિલ્લા પંચાયતમાં સત્તા જાળવામાં ભાજપ ફરી એક વખત સફળ રહ્યું છે, ત્યારે દીવમાં પ્રથમ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા દિવની જનતા અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કરી દીવમાં અધૂરા રહેલા કામોને અગ્રેસર રાખી તમામ કામો પૂર્ણ કરવામાં આવશે. તેવો આશાવદ વ્યક્ત કર્યો હતો.