- વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ
- ભાજપના પૂર્વ નગરપતિ સહિતના 50 હોદ્દેદાર-કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો
- ભાજપમાં ગૃપ મુજબ ફાળવણી થશે તો રહેશે નહીં તો નારાજ નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરવા તૈયાર
ગીર સોમનાથ : સોમવારથી વેરાવળ પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. બન્ને પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે, એવા સમયે ભાજપને અલવિદા કરી પાર્ટીના વર્ષોથી વફાદાર રહેલા પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જેની વિગતો મુજબ, રવિવારે સ્થાનિક પાલીકાની ચૂંટણી અનુસંધાને યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પાલિકાના પૂર્વ પ્રમુખ કિરણ ભીમજીયાણી, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ભીમજીયાણી 50 કાર્યકરોને સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ આગામી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવા અત્યારથી જ કામે લાગી જશું તેવી લાગણી વ્યકત કરી હતી.
![Gir-Somnath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-bjp-zatko-gjc1026_08022021130605_0802f_1612769765_744.jpg)
સ્થાનિક ભાજપની નીતિ રીતિથી રોષ
અત્રે નોંધનીય છે કે, રવિવારે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશેલા ભાજપના પૂર્વહોદ્દેદારો અને કાર્યકરોએ સ્થાનિક પાર્ટીના નેતાઓની નીતિ-રીતિથી નારાજ થઇને પક્ષ છોડ્યાનું જાણવા મળ્યું છે. તો આવા જ કારણોસર ભાજપના નગરસેવકએ પક્ષને છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આમ લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવી રહેલા કોંગ્રેસે ટૂંકા દિવસોમાં જ ભાજપને વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોને પક્ષમાં પ્રવેશ કરાવી ઉપરા છાપરી બે ઝટકા આપી આાગામી પાલિકાની ચૂંટણી જીતવા કમર કસી એડીચોટનું જોર લગાવી રહી હોવાની રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઓ થઇ રહી છે.
![Gir-Somnath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-bjp-zatko-gjc1026_08022021130605_0802f_1612769765_643.jpg)
વધુ આગેવાનો પણ ભાજપનો સાથ છોડે તેવી શક્યતા
હાલ બન્ને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરવા મથી રહ્યા છે. એવા સમયે હજૂ પણ સતાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નારાજગીનો ચરૂ ઉકળી રહ્યો છે. હજૂ પણ અનેક નારાજ નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરવા તૈયાર બેઠા છે. હાલ આ નારાજ લોકો વિપક્ષી પાર્ટી સાથે બેઠકો કરી ભાવ તાલ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ અમુક નારાજ નેતાઓ ભાજપની ટિકિટ ફાળવણીની રાહ જોઇ રહ્યા છે, જે ફાળવણીમાં તેમના ગૃપની માંગણી મુજબ મળશે, તો પક્ષમાં રહેશે બાકી રહેલા નેતાઓ પક્ષ પલટો કરશે, તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.