- ખેડૂતો પાસેથી 1 હજાર કિલોના ટેકાના ભાવે થઇ રહેલી ખરીદી અન્યાયકારક
- 1 હજારને બદલે 2,500 કિલો ચણાની ખરીદીની માંગ
- આપ પાર્ટીના નેતાએ જવાબદારોને રજુઆત કરી માંગણી કરી
ગીર સોમનાથ : તાલાલાના ગીર તાલુકામાં ચણાના પાકના થયેલા મબલખ ઉત્પાદનને ઘ્યાને રાખી પ્રત્યેક ખેડુત પાસેથી 1 હજાર કિલોના ટેકાના ભાવે થઇ રહેલી ખરીદી અન્યાયકારક છે. જેથી દેરક ખેડુત પાસેથી 2,500 કિલો ચણાની ખરીદી કરી ખેડુતવર્ગને ન્યાય આપવા તાલાલા આપ પાર્ટીના નેતાએ જવાબદારોને રજુઆત કરી માંગણી કરી હતી.

7,026 હેક્ટર જમીનમાં ચણાના પાકનું વાવેતર થયુ હતું
તાલાલા આપ પાર્ટીના તાલુકા પ્રમુખ ડી.બી. સોલંકીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે સમગ્ર રાજયમાં પ્રત્યેક ખેડૂતો પાસેથી 2,500 કિલો ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી કરી હતી. તાલાલા ગીર પંથકમાં ગત વર્ષે થયેલ ચણાના પાકના વાવેતરની તુલનામાં ચાર હજારથી વઘુ હેક્ટરના વઘારા સાથે કુલ 7,026 હેક્ટર જમીનમાં ચણાના પાકનું વાવેતર થયુ છે.

આ પણ વાંચો : ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ
2,500 કિલો ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ
તાલાલા સહિત સમગ્ર રાજયમાં ચણાના વાવેતરમાં નોંઘપાત્ર વઘારો થયો છે. આવા સમયે પ્રત્યેક ખેડૂત પાસેથી એક હજાર કિલો ચણાના પાકની ખીરદી મશ્કરીરૂપ સમાન છે. ત્યારે ખરીદીમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય દુર કરી ત્વરિત પ્રત્યેક ખેડુતો પાસેથી 2,500 કિલો ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગણી કરી છે.

ખેડૂતોને તેના વારા મુજબ ખરીદી સેન્ટર પરથી SMS કરવામાં આવે
ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ઘણા કિસ્સામાં ખેડૂતોને તેના વારા મુજબ ખરીદી સેન્ટર પરથી SMS કરવામાં આવે છે. નેટવર્ક સહિતના અનેક કારણોસર ખેડૂતોને સમયસર મેસેજો મળતા ન હોવાના લીઘે કેટલાક ખેડૂતોનો વારો જતો રહે છે. નવો વારો કયારે આવશે તેનો નક્કી સમય આપવામાં આવતો નથી. આ કારણે ઘણા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગત વર્ષની જેમ સોમવારથી શુક્રવારે ટેકાના ભાવે ચણા આપી શકે તેવી વ્યવસ્ગા ગોઠવવા પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ચણા, ઘઉં, રાયડાની મબલખ આવક
ખરીદી સેન્ટરની કામગીરીથી ખેડૂતોમાં રોષ
તાલાલામાં સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદીના સેન્ટરો પર ઘણા કિસ્સામાં ખેડુતો ચણા વેંચવા આવે છે, ત્યારે તેઓનો માલ થોડો નબળો હોવાથી તેને સુધારવાનો સમય આપવાના બદલે ખરીદી સેન્ટરના જવાબદારો સીઘું રિજેક્ટ કરી યાદીમાંથી જ બહાર કાઢી નાંખે છે. ખેડુતોને પોતાના ખેતરથી ખરીદી સેન્ટર સુઘી પાકને લઇ આવવાનો ખર્ચ માથા પડે છે. ત્યારે આવી કામગીરીથી ખેડુતોમાં નારાજગી સાથે રોષ પ્રર્વતતો રહયો હોવાથી આ બાબતે સમય આપવા માંગણી કરવામાં આવી છે.