ગીર સોમનાથઃ તહેવારોની સીઝનમાં અખાદ્ય પદાર્થ દ્વારા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા વેપારીઓ બેફામ બની જાય છે. દરેક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે. આ સમયે સોમનાથ પોલીસે બે કારખાના પર છાપો મારીને બનાવટી ઘીના 121 ડબા જપ્ત કર્યા છે.
બાતમી મળી હતીઃ પૂર્વ બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વેરાવળ તાલુકાના ડારી ગામમાંથી બનાવટી દેશી ઘીના 121 ડબા કબજે કરવામાં આવ્યા. સાતમ આઠમના તહેવારો દરમિયાન શુદ્ધ દેશી ઘીની ખૂબ મોટી માંગ બજારમાં જોવા મળે છે. તેથી કેટલાક ભેળસેળિયા તત્વો દ્વારા લોકોના આરોગ્યને ખૂબ જ ગંભીર નુકસાન થઈ શકે તેવું બનાવટી ઘી બજારમાં પહોંચતું કરાય છે. આ બનાવટી ઘીમાં વિવિધ ચીજ વસ્તુઓ ઉમેરીને બનાવટી દેશી ઘી બનાવાય છે.
કુલ અઢી લાખનો મુદ્દામાલ ઝડપ્યોઃ વેરાવળ એસઓજીએ શહેરના વખારિયા બજારમાં બનાવટી દેશી ઘી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું છે તેવી શક્યતાને આધારે દરોડા પાડ્યા હતા. અહીં થી 69 ડબ્બા બનાવટી ઘી બનાવવાનો સામાન અને શંકાસ્પદ ઘીના ડબા ઝડપાયા હતા. ત્યારબાદ વેરાવળ તાલુકાના ડારી ગામમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી પણ 52 ડબ્બા બનાવટી ઘી મળી આવ્યું હતું. પોલીસે બંને જગ્યા પરથી 2.34 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જેમાં પામોલીન તેલ, વનસ્પતિ ઘી સહિત 121 શંકાસ્પદ બનાવટી ઘીના ડબ્બા, ઘી બનાવવાના સાધનો ઝડપાયા છે
બનાવટી ઘી બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે તેવી માહિતી મળતા જ પોલીસે વેરાવળ અને ડારી ગામમાં તપાસ કરતા અહીંથી 121 ડબ્બા બનાવટી દેશી ઘી ની સાથે તેને બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ જવા પામી હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન વિભાગ ના અધિકારીઓ ને પણ સાથે રાખીને શંકાસ્પદ બનાવટી ઘી ના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે...એ.બી. જાડેજા (પી.આઈ. વેરાવળ એસઓજી)